Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

મોરબીમાં લોકોનો ચુકાદો શિરોમાન્‍ય, લોકહિત માટે લડતા રહીશું,ઉંમરના કારણે હવે ચૂંટણી નહિ લડું : જયંતીભાઈ પટેલ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૦ : મોરબી- માળિયા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે પોતાની હાર સહજતાથી સ્‍વીકારી લોકોના ચુકાદાને શિરોમાન્‍ય ગણાવ્‍યો હતો. તેઓએ જણાવ્‍યું હતું કે લોકહિત માટે લડતા રહીશું, પણ ઉંમરના કારણે હવે ચૂંટણી નહિ લડું.

મોરબી- માળિયા વિધાનસભા બેઠક ઉપર કાનાભાઈ અમળતિયાએ ૬૨ હજારથી વધુ લીડથી ભવ્‍ય વિજય મેળવ્‍યો હતો આ સાથે જ તેમણે તેમના પરંપરાગત હરીફ ગણાતા કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ સાતમી વખત હરાવ્‍યા હતા. ત્‍યારે સતત સાત વખત જેમાં દરેક વખતે ઉત્‍સાહ સાથે ચૂંટણી જંગમાં ઉતરનારા જયંતીભાઈ પટેલની હારની ચર્ચા પણ કાંતિલાલની જીતની ચર્ચા જેટલી જ ચોરે અને ચોકે સ્‍થાન પામી છે.

મોરબી બેઠક પર પરાજિત થયેલા કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલે જણાવ્‍યું હતું કે,લોક ચુકાદો શિરોમાન્‍ય છે. લોકશાહીમાં હાર-જીત સ્‍વભાવિક છે. લોકોનો ભાજપ પ્રત્‍યે ઝુકાવ વધુ રહ્યો હોય પોતાની હારને સહજ પણે સ્‍વીકારી આ મારી છેલ્લી ચૂંટણી હતી અને ઉંમરનું કારણ બતાવી તેઓ હવે પછી તેઓ ચૂંટણી નહિ લડે તેમ જણાવ્‍યું હતું.

આ ઉપરાંત તેઓએ કહ્યું કે ઓછું મતદાન થયું તેના કારણે હાર થઈ, લોકોના ઉત્‍સાહમાં ઓટ હતી. આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસના મત કપાયા છે. કાર્યકરોમાં કોઈ મતભેદ ન હતી. અમારી મહેનતમાં કયાંક કચાશ રહી હશે. ક્રોસ વોટિંગ નથી થયું. તેઓએ જણાવ્‍યું કે જિલ્લાના લોકોના હિત માટે પ્રયત્‍નશીલ રહીશું. આ વિસ્‍તારના લોકો સાથે થતા અન્‍યાય સામે લોકોની વચ્‍ચે રહીને અવાજ ઉઠાવી લડતો રહીશ.

(4:32 pm IST)