Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા

મંદિરોએ પણ ભાવિકો માટે કોરોનાની ગાઇડલાઈન મુજબ વ્યવસ્થાઓ કરી: શ્રાવણ માસના પ્રારંભે શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી

મોરબી આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા મોરબીના પૌરાણિક સહિતના શિવ મંદિરોમાં હર..હર…મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતા અને ભક્તો દ્વારા ભોળિયાનાથને રીઝવવા બિલ્વપત્ર, દુગ્ધાભિષેક અને શોળશોપચાર પૂજનવિધિ કરી ધન્યતા અનુભવવામાં આવી હતી.

પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે મોરબીમાં આવેલ પૌરાણિક રફાળેશ્વર મંદિર, શોભેશ્વર મહાદેવ, શંકર આશ્રમમાં આવેલ નિલકંઠ મહાદેવ, ગ્રીન ચોક પાસે કુબેરનાથ શેરીમાં આવેલ કુબેરનાથ મહાદેવ, ભડિયાદ પાસે આવેલ જંગલેશ્વર મહાદેવ, એલ.ઈ. કોલેજ રોડ પર આવેલ અગનેશ્વર મહાદેવ, સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ આ ઉપરાંત વાવડી રોડ, શનાળા રોડ, રવાપર રોડ, નબલખી રોડ, સો-ઓરડી, પંચાસર રોડ, જેલ રોડ સહિતના વિસ્તારોમાં મહાદેવના મંદિરોમા આજ સવારથી જ ભક્તોની લાઈનો લાગી હતી અને આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય મંદિરો હર હે મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. દરેક મંદિરોમાં મહાદેવજીને જુદા જુદા શણગાર કરવામાં આવ્યા હતા. જ્યારે નીલકંઠ મહાદેવ મંદિરને લાઈટોથી શણગારવામાં આવ્યું હતું આથી રાત્રીના સમયે સુવર્ણ મંદિરની જેમ નજારો જોવા મળ્યો હતો.
કોરોનાને કારણે મંદિરોમાં પણ ખાસ તકેદારી રાખવામાં આવી હતી. જેમાં મોટાભાગના મંદિરોમાં માસ્ક ફરજીયાત અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટનસનું પાલન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. જ્યારે શંકર આશ્રમમાં તો જે લોકોએ વેકસીન લીધી છે તેમને જ ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવશે તેવો નિયમ બનાવવામાં આવ્યો છે. આમ, કોરોનાની ગાઈડલાઈનની સાથે મંદિરોમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારથી પ્રારંભ થયો હતો અને હર હર મહાદેવ અને ૐ નમઃ શિવાય સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા

 

(2:06 pm IST)