Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

માતાજીને શ્રીફળ વધેરીને નીકળેલા કાકા-ભત્રીજા પર ચાલુ બાઇકે હુમલો

ટંકારાના છતરના સુભાષ પરમાર અને ૧૩ વર્ષના ભત્રીજા આદિત્‍યને ઇજાઃ જુના મનદુઃખમાં વિશાલે હોન્‍ડા પાછળ દોડાવી ઘા કરી લીધા

રાજકોટ તા. ૯: ટંકારાના છતર ગામે રહેતો સુભાષ રાજુભાઇ પરમાર (ઉ.૩૦) ગઇકાલે તેના ભત્રીજા આદિત્‍ય જીતુભાઇ પરમાર (ઉ.૧૩)ને બાઇકમાં બેસાડી માતાજીના સ્‍થાને શ્રીફળ વધેરવા વાંકાનેરના કોટડા નાયાણી ગામે ગયો હતો. ત્‍યાંથી કાકો-ભત્રીજો પાછા આવતાં હતાં ત્‍યારે રસ્‍તામાં કોટડાના વિશાલ દિપકભાઇએ હોન્‍ડા પાછળ દોડાવી ચાલુ બાઇકે પાઇપના ઘા કરતાં સુભાષ અને ભત્રીજા આદિત્‍ય બંનેને ઇજા થઇ હતી.
સુભાષને વધુ ઇજા પહોંચી હોઇ તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. હુમલો કરનાર વિશાલ એ સુભાષના ભાઇ જીતુના સાળાનો દિકરો છે. અગાઉ જીતુ સાથે મનદુઃખ થયું હોઇ ખાર રાખી આ હુમલો કરાયો હોવાનું જણાવાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(12:33 pm IST)