Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ઉનાના ગુપ્ત પ્રયાગ વૃધ્‍ધાશ્રમમાં ૪,૮૧ લાખની ચોરી

વૃધ્‍ધાશ્રમના રૂમના કબાટમાંથી હિસાબના ૭૦ હજાર રોકડા તથા સોનાના દાગીના તસ્‍કરો ઉઠાવી ગયાઃ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસઃ ડુપ્‍લીકેટ ચાવીથી કબાટ ખોલીને ચોરી

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૯ :.. તાલુકાનાં ગુપ્ત પ્રયાગનાં વૃધ્‍ધાશ્રમનાં રૂમનાં કબાટમાં રાખેલ હિસાબના રૂા. ૭૦ હજાર રોકડા અને ૪ લાખ ૧૧ હજાર ૪૦૦નાં સોનાના દાગીનાં મળી રૂા. ૪ લાખ ૮૧ હજારનાં મુદામાલની ચોરી થયાની ફરીયાદ નોંધાઇ છે.

ઉનાથી ૭ કિ. મી. દૂર દેલવાડા ગામ હેઠળ આવેલ પ્રાચીન ગુપ્ત પ્રયાગ તિર્થધામમાં આવેલ વૃધ્‍ધાશ્રમનું કામ કરતાં મંદિરની સેવા પુજા કરતાં હિરેનભાઇ ગીરધરભાઇ મિશ્રા ઉ.વ.રપ મુળ ઉના તા. મહોબતપરા  હાલ ગુપ્ત પ્રયાગ રહી. મંદિરની સેવા પુજા  અને વૃધ્‍ધાશ્રમનાં સંચાલક તરીકે તેમના મોટાબાપુ વિવેકાનંદ ગુરૂ મુકતાનાજી સાથે ૩ વર્ષથી કામગીરી કરે છે. ગત તા. ર૯-૪-રર નાં બપોરે ૩ વાગ્‍યા જે વૃધ્‍ધાશ્રમના રૂમના કબાટમાં સોનાના દાગીના રાખેલ હતાં તેમાં હિસાબનાં રૂા. ૭૦,૦૦૦ રોકડા મુકી તાળુ મારી મુકેલ ત્‍યારે સોનાનાં દાગીના હતા પરંતુ ર૯ એપ્રિલનાં બપોરના ૩ થી તા. પ-પ-રર ના રાત્રે ૧૦ વાગ્‍યા દરમ્‍યાન કોઇ અજાણ્‍યો જાણભેદુ ચોરે ડુપ્‍લીકેટ ચાવીથી રૂમના દરવાજાનું તાળુ ખોલી રૂમમાં રાખેલ કબાટ સુધી પ્રવેશ કરી ડુપ્‍લીકેટ ચાવીથી કબાટ ખોલી તેમાં રાખેલ ૭૦ હજાર રોકડા રૂપિયા ત્‍થા સોનાના દાગીના ૧પ૩ ગ્રામ, (૧) સોનાનો ચેન-૩ નંગ (ર) સોનાની માળા-૧, વીંટી સોનાની -ર, સોનાના પેન્‍ડલ નંગ-ર, સોનાનો હાર-૧, સોનાનું હાથનું કડુ-૧, સોનાની કાનની બૂંટી-ર નંગ, સોનાનાં રૂદ્રાક્ષના પારાનો બેર એક, ની કિંમત ૪ લાખ ૧૧ હજાર ૪૦૦ રોકડા મળી કુલ ૪,૮૧,૪૦૦ મુદામાલ ની ચોરી થયાની જાણ ગત તા. પ ના રાત્રે રૂમમાં કબાટનું તાળુ ખોલતાં થઇ હતી.

કબાટમાં દાગીના કે રોકડ રૂપિયા હતા નહીં. તેથી ઉના પોલીસ સ્‍ટેશને આવી લેખીતમાં ફરીયાદ નોંધાવતા ઉનાના પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ. યુ.  મસી, પીએસઆઇ ચુડાસમા, લાખનોત્રા, ડી. સ્‍ટાફ સાથે સ્‍થળ ઉપર પહોંચી અને સીસીટીવી કેમેરા રેકોડીંગ ત્‍થા અન્‍ય માધ્‍યમથી તસ્‍કરને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. અને ગુપ્ત પ્રયાગનાં વૃધ્‍ધાશ્રમમાં ચોરીનો બનાવ બનતા ચકચાર મચી ગઇ છે.

(12:16 pm IST)