Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

સત્વરે વહેલી તકે જેવા શબ્દોનો સરકારી તંત્રમાં ઉપયોગ બંધ કરવા આદેશઃ સાવરકુંડલાના આરટીઆઇ એકટીવીસ્ટની સફળ રજુઆત

ડી.આર.યુ.મહેતાની અરજી બાદ ગુજરાત રાજયનાં સમસ્ત અરજદારો અને વકિલોને હાશકારો

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૯ : આમ જનતાને જુદા જુદા અનેક કામો અંગે સરકારી તંત્રની વિવિધ કચેરીઓને રજુઆત કરવામાં આવતી હોય છે. ત્યારબાદ સરકારી તંત્રની વિવિધ કચેરીઓ દ્વારા તેનો નિકાલ કરવામાં આવતો હોય છે. પરંતુ સરકારી તંત્રમાં વ્યાપ્ત લાંચ- રૂશ્વત લાગવગ, મીલીભગત, રાજકારણ જેવી બાબતો ઉપરાંત કામ ન કરવાની દાનના લીધે જુદી જુદી છટકબારીઓ અપનાવવામાં આવે છે. જેનાથી આમજનતા ભલીભાતી પરિચિત છે. આ વિગતે અરજદારની રજુઆતો - પ્રશ્નોનો નિકાલ જ ન થાય તેવા પ્રકારના જવાબો આપી દેવામાં આવે છે. આ પત્ર વ્યવહાર, જવાબ, હુકમ વગેરેમાં મહદંશે ''સત્વરે'', ''વહેલી તકે'', ''તુરંત'' જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ શું થાય છે તેની વિગતો આ પ્રમાણે છે.

ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા તા.૧૭-૪-ર૦૧પના હુકમથી કલેકટર કચેરી, અમરેલીને ''કાર્યવાહી વહેલી તકે પુર્ણ કરવા'' ભલામણ કરી હતી. જેના નિકાલ ન થતા ફરીથી તા.૯-૯-ર૦૧પના રોજ અન્ય એક હુકમથી અમરેલી જીલ્લાની ત્રણ કચેરીઓને ''વહેલી તકે કાર્યવાહી થવી જોઇએ'' તેમ ભલામણ કરી. ત્યારબાદ સરકારી કચેરીએ દ્વારા તા.૩૧-૧ર-ર૦૧પના રોજ કાર્યવાહી નિકાલની જાણ કરીને તા.૬-૯-ર૦૧૬ના રોજ સ્પષ્ટ રીતે નિર્ણય કરવામાં આવ્યો. એટલે કે દોઢ વર્ષનો સમય લેવામાં આવ્યો.

આ નિર્ણય વિરૂધ્ધ અપીલ કરતા તેનો ચુકાદો આપતા મહેસુલ વિભાગ (વિવાદ) અમદાવાદ દ્વારા તા.૭-ર-૧૮ના રોજ કલેકટર કચેરી, અમરેલીને 'સત્વરે સંબંધકર્તાને સાંભળી નિર્ણય લેવા' હુકમ કરેલ હતો. ત્યારબાદ આ અંગે ૧ વર્ષ સુધી વારંવાર વિવિધ કચેરીઓને રજુઆત કરવામાં આવી અને મહેસુલ વિભાગ (વિવાદ), અમદાવાદ ખાતે તેમના હુકમની બજવણી કરવા રૂબરૂમાં રજુઆત કરવા છતા પણ કોઇ નિકાલ ન થયો. તે કચેરીમાં કેસ લડતા જુદા જુદા વકીલોનું માર્ગદર્શન લેતા જાણવા મળ્યુ઼ કે સમય મર્યાદા જણાવેલી ન હોય. સંબંધીત કચેરી દ્વારા કશુ જ કરવામાં આવશે નહી અને તમારે ન્યાય પાલિકા પાસે જવુ પડશે.

આ જાણકારી મળ્યા બાદ વધુ સંશોધન કરતા અનેક કિસ્સાઓમાં આ પ્રકારે કરવામાં આવતુ હોવાનું જાણવા મળ્યુ. પરિણામે આ રીતે અગત્યની બાબતોને ખોરંભે ચડાવવાનું કૌભાંડ ચાલતુ હોવાનું ધ્યાનમાં આવતા, કાર્યવાહી અધ્ધરતાલ રાખવાના પુરાવાઓ દસ્તાવેજ સહ સરકારી તંત્રની સક્ષમ વડી કચેરીઓને ધારદાર રજુઆત કરતા સાવરકુંડલાના આર.ટી.આઇ. એકટીવીસ્ટ અને વ્હીસલ  બ્લોઅર શ્રી ડો. આર.યુ.મહેતાને જવલંત સફળતા મળી છે અને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા હુકમ કરીને  ગુજરાત રાજયની તમામ કચેરીઓને તાકીદક રી છેક ે આમજનતાની રજુઆત અંગે સરકારી તંત્ર દ્વારા થતા પત્ર વ્યવહાર જવાબ, હુકમ વગેરેમાં 'સત્વરે', 'વહેલી તકે' જેવા શબ્દોના ઉપયોગ તુરંત બંધ કરીને ચોકકસ સમય મર્યાદા આપવી. આ રીતે સાવરકુંડલાના આર.ટી.આઇ. એકટીવીસ્ટ અને વ્હીસલ બ્લોઅર ડો.આર.યુ.મહેતા દ્વારા બ્યુરોક્રસીની એક મોટી બહાનેબાજીનો પર્દાફાશ કરીને સમસ્ત ગુજરાતના અરજદારો તથા વકીલોને હાશકારો કરાવ્યો છે.

આ રીતે કરવામાં આવેલ હુકમ બાદ પોતાના હકક માટે આમ જનતાને પણ જાગૃત રહેવું જરૂરી છે. આ હુકમની નકલ મેળવવા સાવરકુંડલા આર.ટી.આઇ.  એકટીવીસ્ટ અને વ્હીસલ બ્લોઅર ડો.આર.યુ. મહેતાના મો. ૯૪૯૯૬ ૮૭૦૮૦ પર વોટસએપ મેસેજ મેળવી શકાશે.

(1:16 pm IST)