Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ખાંડીયા ગામે નીચે લટકતા વીજ વાયરઃ બિહારી યુવકનું કરંટથી લગતા મોત

ચુડા PGVCLની બેદરકારીએ ૧૧ દિવસમાં ૨ યુવાનો ભોગ લીધો

વઢવાણ,તા.૮: બિહારના દરિહરા ચત્રભુજ, સારન અને હાલ ભાવનગર રહેતા ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રવિન્દ્ર નાગેશ્વર રાય ચુડા તાલુકાના ખાંડીયા ગામે ચાલતા રેતીના વોશ પ્લાન્ટમાં રેતી ભરવા આવ્યા હતા. રવિન્દ્ર રેતી ભરીને ટ્રક ઉપર તાડપત્રી બાંધી રહ્યા હતા ત્યારે માથા ઉપરથી પસાર થતા નીચે લટકી રહેલા વીજ વાયરને અજાણતા સ્પર્શી ગયા હતા. હાઈટેન્સન વીજ લાઈનનો શોક લાગતા રવિન્દ્ર રાય નીચે પટકાયા હતા અને દ્યટનાસ્થળે જ તેમનું કરુણ મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતાં રેતી વોશ પ્લાન્ટના માલિક યશપાલસિંહ ઝાલા, હરપાલસિંહ ઝાલા, મયુરસિંહ રાણા દોડી આવ્યા હતા. રવિન્દ્ર રાયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડયા હતા.

ચુડા પીજીવીસીએલની બેદરકારીને કારણે તા.૨૪ સપ્ટેમ્બરના રોજ કારોલમાં વીજ શોક લાગતા યુવકનું મોત થયું હતું. તેની અસ્તિ ઠરી નથી ત્યાં તો વધુ એક યુવાનનું શોક લાગવાથી મૃત્યુ થયાના સમાચાર વાયુવેગે ફેલાતા ચુડા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.  આ અંગે રેતી વોશ પ્લાન્ટના માલિક યશપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે છેલ્લા દ્યણાં સમયથી નીચે લટકી રહેલા હાઈટેન્સન વીજ લાઈન ઊંચી કરવા રજૂઆત કરવામાં આવી છે. છતાં ગંભીરતા નહીં સમજતાં અંતે આ દુર્ઘટના સર્જાઈ છે. બિહારથી પેટયું રળવા આવેલ યુવાનનું મોત આઘાતજનક છે. મૃતકનો પુત્ર દિવ્યાંગ છે. તેમના પરિવાર માટે રવિન્દ્ર રાય જ આધાર હતા.

(2:50 pm IST)