Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

યોગી બનવા ઉપયોગી બનો, ઉપયોગી બનવા જીવનમાં પ્રેમ-ત્યાગ-સેવા અપનાવો : પૂજય ભાઇશ્રી

પોરબંદર હરિમંદિરે અધિક-પુરૂષોત્તમ માસની શ્રીમદ્દ ભાગવત કથા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૮ : યોગી બનવું હોય તો ઉપયોગી બનો. ઉપયોગી બનવા માટે જીવનમાં પ્રેમ, ત્યાગ અને સેવા અપનાવવી પડે. ઉપયોગી બનવું હોય તો હરિ માટે ઉપયોગી બનો. એમ કથાકાર, પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ બુધવારે અધિક-પુરૂષોત્તમ માસના ર૦મા દિવસે શ્રીમદ્ ભાગવત કથા-જ્ઞાનયજ્ઞના પ્રારંભે શ્રીહરિ મંદિર-પોબંદર ખાતેથી જણાવ્યું હતું.

પૂજય ભાઇશ્રીએ જણાવ્યું કે ભગવાન પ્રત્યે પ્રેમ એટલે સમર્પણ. જયાં વ્યાસના હોય ત્યાં કંઇક પામવાની ઇચ્છાનો ભાવ હોય છે. જયારે પ્રેમમાં તો આપવાની-ત્યાગની ઉત્કટતા હોય છે. ભકત, સાધુ-સંતો દ્વારા જ સંસાર સુખી છે. સંસાર શુભ પણ ભકતને લીધે જ છે. શ્રીમદ્ ભાગવત અને રામચરિત માનસ ભકિતનો મહિમા દર્શાવે છે એટલે ભકતજનની સંહિતા છે. ભગવાન પણ ભકતને વશ રહે છે.

પૂ.ભાઇશ્રીએ જણાવેલ કે, સ્ત્રી જેમ કપાળમાં ચાંલ્લો કરે એટલે ખબર પડે કે વિવાહિતા છે અને કોઇને સમર્પિત છે એવી  જ રીતે ભકત જયારે કંઠમાં માળા પહેરે અને તિલક કરે ત્યારે એનો અર્થ થાય છે કે તે શ્રીહરિને ભગવાનને સમર્પિત બની ગયો છે. હવે સંસારના મોહપ્રપંચમાં ફસાય તેવો નથી. કથાના શ્રવણ માત્રથી કૃષ્ણપ્રેમ થઇ જાય. તે ભકિત છે. એક માતા જેમ બાળકનું પોષણ અને રક્ષણ કરે છે તેવી જ રીતે ભગવાન પણ ભકતનું રક્ષણ અને પોષણ કરે છે.

પૂજય ભાઇશ્રીએ જણાવ્યું કે વર્તમાન કોરોના કાળમાં જરૂરીયાતમંદ લોકોની યથાશકિત સેવા કરીએ-એ રજોગુણનો સદુપયોગ છે. સમાજ સેવા પણ છે અને ભકિત પણ છે. સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા પણ આજુબાજુના વિસ્તારમાં જરૂરી સામગ્રી કીટ પણ બનાવીને વહેચવામાં આવી અને તે સંપૂર્ણ કાર્ય શ્રીહરિની સેવારૂપ અર્થાત નારાયણસેવાના ભાવથી કરવામાં આવી. આ રજોગુણનો સદુપયોગ છે.

(12:56 pm IST)