Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

અમરેલી જિલ્લા પોલીસને મળેલ અરજી આધારે વ્યાજે લીધેલ રકમના બદલામાં મિલકતના બળજબરીથી કરાવી લીધેલ ૧૨ બાનાખત રદ્દ કરાવ્યા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૮: અમરેલી જિલ્લા પોલીસને વ્યાજખોરી અંગે મળેલ અરજી આધારે વ્યાજે લીધેલ રકમના બદલામાં મિલકતના બળજબરીથી કરાવી લીધેલ ૧૨ જેટલા બાનાખત રદ્દ કરાવવામાં આવ્યા.

જરૂરીયાતમંદ મધ્યમ વર્ગના માણસો, આર્થિક સંકડામણના લીધે, મજબુરીના કારણે પોતાના સારા-નરસાં પ્રસંગો ઉકેલવા અને જરૂરિયાતો પુરી કરવા, વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણાં મેળવતા હોય છે, જેનો ફાયદો ઉઠાવી, વ્યાજંકવાદીઓ ઉંચુ વ્યાજ વસુલ કરતા હોય છે અને જો વ્યાજ કે મુદ્દલ ન ચુકવી શકાય, તો આવા વ્યકિતઓની મિલ્કત ગેરકાયદેર રીતે, ધાક ધમકી આપી, ડરાવી, ધમકાવી, પડાવી લેતા હોય છે. પરંતુ સામાન્ય પ્રજા, આવા વ્યાજંકવાદીઓના ડર, બીકના કારણે તેમના વિરૂધ્ધ ફરિયાદ કરતા નથી, કે તેમની સામે કયાંય રજુઆત કરતા નથી. નાણા ધીરધાર અંગેના લાયસન્સ વગર ઉંચા વ્યાજે નાણા ધીરનાર વ્યકિતઓ, વ્યાજે નાણા લેનાર વ્યકિતઓ પાસેથી નાણાના બદલામાં તેમની મિલકતના બાનાખત કરાવી લેતા હતાં, અને જો વ્યાજે નાણા લેનાર વ્યકિતઓ વ્યાજ તથા મુદ્દલ ચુકવી ન શકે, તો તેમની મિલકત પડાવી લેતા હોય છે.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયને આવા વ્યાજખોર વ્યકિતઓની વિગત વાળી એક અરજી મળતાં, આ અરજી અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ મારફતે તપાસ કરાવતાં, આ અરજીની વિગતમાં તથ્ય જણાતાં, અરજીમાં જણાવેલ નામ વાળા ઇસમ જયરાજભાઇ મંગળુભાઇ વરૂ, રહે.રાજુલા, સરકારી હોસ્પિટલ પાછળ, ધોળીયો ડુંગર નાઓએ કુલ કિં.રૂ.૮૬,૯૭,૦૦૦/- ની કિંમતની મિલકતના કુલ ૧૩ મિલકતોના બાનાખત કરવામાં આવેલ હોવાનું ખુલવા પામેલ હતું. જે પૈકીના ૧૨ બાનાખત રદ કરાવી, તે મિલકત તેના મુળ માલિકને પરત મળી જાય તે માટે કાર્યવાહી કરવામાં આવેલ છે, અને ૧ બાનાખત રદ કરાવવાની કાર્યવાહી હાલ શરૂ છે.

આમ, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયની સુચના મુજબ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા ગેરકાયદેસર વ્યાજખોરી કરી, બળજબરીથી કરાવી લીધેલ બાનાખત રદ્દ કરાવી, મિલકત તેના મુળ માલિકોને પરત મળી રહે, તે માટે કાર્યવાહી કરવામાં આવેલ છે.

(12:47 pm IST)