Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

૨૪ બહેનો બેન્ક સખી બનશે

એસબીઆઇ અને ડીઆરડીએ ગીર સોમનાથના સંયુકત ઉપક્રમે જૂનાગઢ ખાતે ૬ દિવસની તાલીમ આપી

પ્રભાસ પાટણતા.૮: લોકોને રોજગારી મળી રહે તે માટે એસબીઆઇ આરસેટી તથા ડીઆરડીએના સંયુકત ઉપક્રમે તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ અંતર્ગત જૂનાગઢ બિલખા રોડ પરના એસબીઆઇ આરસેટી ખાતે તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં વિવિધ રોજગારી લક્ષી તાલીમ આપવામાં આવે છે.

એસબીઆઇ અને ડીઆરડીએ ગીર સોમનાથના સંયુકત ઉપક્રમે ૬ દિવસીય બીસી(બિઝનેશ કોર્ષ પોન્ડન્ટ) સખી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાની ૨૪ બહેનોએ તાલીમ મેળવી હતી. તાલીમ પૂર્ણ થતા બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તાલીમમાં ગામના મહિલા સરપંચથી લઇને વિદ્યાર્થીનીઓ પણ જોડાઇ હતી.

તાલીમનું પ્રમાણ પત્ર મેળવ્યા બાદ હવે તે તેમના જિલ્લાની નજીકની અલગ-અલગ બેન્ક બ્રાન્ચમાં આપશે. આથી તેમને સખી મંડળને લગતા બેન્કીંગ કામ માટે રોજગારી મળી જશે. આ તાલીમ એસબીઆઇ આરસેટી અને ડીઆરડીએ દ્વારા વિના મુલ્યે આપવામાં આવે છે. જેમાં રહેવા, જમવા સહિતની તમામ સુવિધા વિના મુલ્યે આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં જૂનાગઢ લીડ બેન્કના મેનેજર મનોહર વાઘવાણી, ગીર સોમનાથ લીડ બેન્કના મેનેજર અશોક વ્યાસ, ટ્રેનર હેમેન્દ્રભાઇ પુરોહિત, આરસેટીના ડાયરેકટર વિજયસિંહ આર્યા, ફેકલ્ટી દર્શન સુત્રેજા અને અજીત પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

દેવીબેન રાઠોડ કહે છે, કોડીનાર તાલુકાના બોડવા ગામથી આવું છું ગામમાં વાઇફાઇ, સીસીટીવી કેમેરા, સાઉન્ડ અને પાકા રસ્તા સહિતની સુવિધા છે. સાથો સાથ ગામના લોકોને બેન્કીંગની સુવિધા પણ મળી રહે તે માટે મને એસબીઆઇ આરસેટીની માહિતી મિશન મંગલ યોજનામાંથી મળી હતી. આથી તેમાં અરજી કરી આ તાલીમમાં જોડાઇ છું. હવે તાલીમ પૂર્ણ થતા લોકોને બેન્કીંગની સુવિધા મળશે.

નિરૂપાબેન રાઠોડ  કહે છે કે, તાલાલાના ધાવા(ગીર) ગામેથી આવું છું. બી.કોમ કર્યુ છે. બિઝનેશ કોર્ષપોન્ડન્ટ સખીની મહિતી મળતા જ અરજી કરી હતી. હવે તાલીમ પૂર્ણ થઇ છે. જ ગ્રામીણ બેન્ક હોય તેમાં જોડાવા માંગુ છુ અને આગળ બેન્કીંગ ક્ષેત્રમાં કારર્કીદી બનાવવા માગું છુ.

(11:48 am IST)