Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

જય જલારામ... વિરપુરમાં શ્રધ્ધાળુઓ માટે મંદિરના દ્વાર ખુલ્યા

ભાવિકોએ રજીસ્ટ્રેશન કરાવી ટોકન મેળવી સેનેટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશેઃ પૂજ્ય બાપાના દર્શનનો લાભ સવારે ૭ થી ૧ અને બપોરે ૩ થી ૭ સુધી લઇ શકાશે

(કિશન મોરબીયા દ્વારા) વીરપુર - જલારામ તા. ૮ : સુપ્રસિદ્ઘ યાત્રાધામ વીરપુર ખાતેના જલારામ મંદિરના મંગલ દ્વાર સોશ્યલ ડિસ્ટન્સના સરકારી નિયમોને આધીન આજથી શ્રદ્ઘાળુઓ માટે ખુલા મુકાયા હતા.

કોરોના મહામારીને કારણે સાવચેતીના ભાગ રૂપે ગત તા.૩૦ ઓગષ્ટ થી ૦૧ ઓકટોબર સુધી પૂ. જલારામબાપાનું મંદિર દર્શનાથીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ તે પરિસ્થિતિને ધ્યાનમાં લઇ વધુ આઠ દિવસ માટે મંદિર બંધ માટેનો નિર્ણય ગાદીપતિ પૂજય રઘુરામ બાપા દ્વારા લેવામાં આવ્યો હતો ત્યાર બાદ આજરોજ ૮ ઓકટોબરને ગુરૂવારથી દર્શનાથીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યુ છે.

વીરપુર ખાતેના જલારામ મંદિર દ્વારા સરકારી ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન સાથે શ્રદ્ઘાળુઓ માટે આજથી મંગળ મંદિરના દ્વાર ખોલવાનો નિર્ણય ગાદીપતિ પૂજય રઘુરામબાપા દ્વારા કરવામાં આવ્યો હતો. દેશ વિદેશમાં આસ્થાનું કેન્દ્ર અને જગવિખ્યાત સંત પૂજય શ્રી જલારામ બાપાના દર્શન માટે સરકારની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરી સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલનની અને સેનિટેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલ માનકેશ્વર મંદિરની બાજુમાં રજીસ્ટ્રેશન કાર્યાલયેથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનીટાઈઝ ચેમ્બરમાં સેનેટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે. ઉપરાંત મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે.

પૂજય બાપાના દર્શન સવારે ૭ થી બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરે ૩ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી થઈ શકશે તેમ જણાવાયું છે.

(11:59 am IST)