Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ગાંધીધામ ભાજપના મહિલા કાઉન્સીલરનો ભોગ લેતો કોરોના : કચ્છમાં નવા ૨૭ કેસ

કચ્છમાં ત્રણ રાજકીય આગેવાનોના મોત થયા : ભાવનગર-૨૭, મોરબીમાં ૧૫ નવા દર્દી નોંધાયા

રાજકોટ : સૌરાષ્ટ્ર - કચ્છમાં કોરોનાના કહેરએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કચ્છમાં વધુ એક રાજકીય આગેવાનનો ભોગ લેવાયો છે એ સાથે બીજી તરફ કેસ વધવાનો સિલસિલો યથાવત રહ્યો છે જે અહેવાલ અહીં રજૂ છે.

કચ્છમાં કુલ દર્દીઓ ૨૩૦૯

ભુજ : વધતા જતાં નવા દર્દીઓ અને મૃત્યુ આંક સાથે કચ્છમાં કોરોનાનો હાહાકાર જારી રહ્યો છે. ગાંધીધામ નગરપાલિકાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના અગ્રણી અજિત ચાવડાના મૃત્યુનો શોક હજી શમે તે પહેલા ગાંધીધામ નગરપાલિકાના વધુ એક કાઉન્સિલરને કોરોનાએ ઝપટે લઈ ભોગ લીધો હતો. ભાજપના વોર્ડ નંબર ૮ ના મહિલા કાઉન્સિલર માયાબેન સથવારાનુ કોરોનાની સારવાર દરમ્યાન અમદાવાદ મધ્યે મોત નિપજયું હતું. કોરોનાએ કચ્છ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરેશ મહેશ્વરીનો પણ ભોગ લીધો છે. દરમ્યાન નવા ૨૭ કેસ સાથે અત્યારસુધી કુલ દર્દીઓની સંખ્યા વધીને ૨૩૦૯ થઈ છે. જયારે ૧૮૪૪ દર્દીઓ સાજા થયા છે. સારવાર લઈ રહેલા દર્દીઓ ૩૫૧ છે. તો સરકારી ચોપડે ૬૮ મોત નોધાયા છે. જયારે બિનસતાવાર મોતનો આંકડો ૧૧૪ હોવાની આશંકા છે.

ભાવનગરમાં ૫૧ દર્દીઓ કોરોનામુકત

ભાવનગર : જિલ્લામા વધુ ૨૭ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૪૧૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૨ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૨૩ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ઘોઘા ખાતે ૨, પાલીતાણા ખાતે ૧ તેમજ ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. જયારેઙ્ગ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૧ અને તાલુકાઓના ૨૦ એમ કુલ ૫૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૪૧૧ કેસ પૈકી હાલ ૩૫૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૩,૯૭૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

મોરબી જિલ્લામાં ૨૩ દર્દીઓ સ્વસ્થ

મોરબી : જીલ્લામાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે કે ઘટાડવામાં આવી રહ્યા હોય તે તપાસનો વિષય છે જોકે આજે મોરબીમાં માત્ર ૧૫ કેસો નોંધાયા છે જેની સામે ૨૩ દર્દીઓ સ્વસ્થ થયાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે.

મોરબી જીલ્લાના આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૩ કેસમાં ૦૩ ગ્રામ્ય અને ૧૦ શહેરી વિસ્તારમાં, વાંકાનેરનો ૦૧ કેસ ગ્રામ્ય પંથક અને હળવદનો ૦૧ કેસ ગ્રામ્ય વિસ્તારમાં મળીને કુલ ૧૫ કેસો નોંધાયા છે. જયારે ૨૩ દર્દીઓ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા ૧૫ કેસો સાથે મોરબી જીલ્લામાં કુલ કેસનો આંક ૧૮૪૩ થયો છે જેમાં ૧૯૦ એકટીવ કેસ છે જયારે ૧૫૫૨ દર્દીઓ અત્યાર સુધીમાં સ્વસ્થ થયા છે.

(11:19 am IST)