Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

મોરબીમાં લમ્પી વાયરસ અંગે સમીક્ષા બેઠક યોજાઇ

  કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પેટલના અધ્યક્ષસ્થાને તેમજ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસ- ચર્મ રોગને રોકવા તેમજ પશુઓની સારવાર માટે પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કૃષિ, પશુપાલન તેમજ ગૌસંવર્ધન કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પેટલે જણાવ્યું હતું કે, પશુપાલન વિભાગની કામગીરી એકંદરે સારી છે. સરકાર દ્વારા આ રોગને નાથવા તેમજ નાબૂદ કરવા નક્કર આયોજન થકી વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે ગાયમાતા અને ગૌવંશમાં ફલાયેલા રોગમાંથી ગાયમાતાને બચાવવા માટે તેમજ આ રોગ નાબૂદ કરવા સંયુકત પ્રયાસ કરવા અપીલ પણ કરી હતી. વધુમાં મંત્રીએ ગાયમાતાના મૃતદેહનો તાત્કલિક યોગ્ય નિકાલ કરવા, રખડતા ઢોરમાં અસરગ્રસ્ત પશુઓને આઇસોલેશન કરવાની કામગીરી સારી રીતે કરવામાં આવે તથા રસીકરણ સત્વરે પુરુ કરવા સંલગ્ન વિભાગોને સુચના આપી હતી. આ બેઠકમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા, જિલ્લા કલેકટર જે. બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ, નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી પ્રાંત અધિકારી ડી. એ. ઝાલા, નાયબ પશુપાલન નિયામક કટારા, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઇ ટમારીયા, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, મોરબી સહકારી આગેવાન મગનભાઇ વડાવીયા, અગ્રણી દુર્લભજીભાઇ દેથરિયા, અરવિંદભાઇ વાંસદડિયા તેમજ પશુપાલન વિભાગ અને જિલ્લા વહીવટતંત્રના અધિકારી/કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા

(1:14 pm IST)