Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

શીપીંગ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયાના એમટી સ્‍વર્ણ ક્રિશ્વાની ઓલ-વુમન ક્રૂએ ઇતિહાસ રચ્‍યો

મનસુખ માંડવીયાએ એસીઆઇના ઓલ-વુમન ક્રૂ રનને લીલી ઝંડી આપી : પુરૂષોના વર્ચસ્‍વવાળા મેરીટાઇમ સેકટરમાં રૂઢિગત માન્‍યતાઓને તોડવાના મહિલાઓના જબરજસ્‍ત પ્રયત્‍નોને પ્રોત્‍સાહન આપવાનો આંતરરાષ્‍ટ્રીય મહિલા દિન નિમિતે પ્રયાસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૮: કેન્‍દ્રીય બંદર, શીપીંગ અને જળમાર્ગ રાજય મંત્રી (સ્‍વતંત્ર હવાલો) મનસુખ માંડવીયાએ ૬ માર્ચના રોજ જે.એન.પી.ટી. લિક્‍વિડ બર્થ જેટીથી શીપીંગ કોર્પોરેશન ઓફ ઇન્‍ડીયાના પ્રોડક્‍ટ કેરિયર એમટી સ્‍વર્ણ ક્રિશ્ના પર ‘તમામ મહિલા અધિકારીઓના નૌકાયન'ને વર્ચ્‍યુલી લીલી ઝંડી આપી હતી. આ સાથે શીપીંગ કોર્પોરેશન ઓફ ઇન્‍ડીયાએ તેના હિરક જયંતી ઉજવણીના ભાગરૂપે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી.

વિશ્વના મેરીટાઇમ ઇતિહાસમાં આ પહેલીવાર છે જયારે તમામ મહિલા અધિકારીઓ દ્વારા કોઈ જહાજ ચલાવવામાં આવી રહ્યું હોય.

મનસુખ માંડવીયાએ વૈશ્વિક દરિયાઇ સમુદાયમાં ભારતીય રાજદૂત તરીકેની ભૂમિકા ભજવનારી અને રાષ્ટ્રને ગૌરવ અપાવનારી મહિલા સાગરખેડૂઓના યોગદાન અને બલિદાનને સ્‍વીકાર્યું હતું.

એસસીઆઈના સીએમડી શ્રીમતી એચ. કે. જોશીએ દરિયાઇ ક્ષેત્રે ‘સંપૂર્ણ પરિવર્તન'ની અનુભૂતિ માટે એસસીઆઈના અવિરત પ્રયાસોની વાત કરી હતી. તેમણે કહ્યું કે એસીઆઇએ એવી સાગરખેડ્‍ મહિલાઓના 'સશક્‍ત નારીત્‍વ'ને ઓળખ આપી છે અને તેનું સન્‍માન કર્યું છે, જેમણે તેને પ્રાપ્ત કરવા માટે હિમત કરી છે, પ્રયત્‍નશીલ છે અને બલિદાન આપ્‍યું છે. શીપીંગ સચિવ ડો. સંજીવ રંજન, જે.એન.પી.ટી.ના ચેરમેન શ્રી સંજય શેઠી, એમ.બી.પી.ટી.ના ચેરમેન શ્રી રાજીવ જલોટા અને ડી.જી. શિપિંગ શ્રી અમિતાભ કુમારે વર્ચ્‍યુઅલ રૂપે હાજરી આપી હતી અને મહિલા સાગરખેડૂઓના પ્રયત્‍નોની પ્રશંસા કરી હતી.

આ પગલું દરિયાઈ સફર પુરૂષલક્ષી વ્‍યવસાય હોવાની છાપમાં ધીમે ધીમે આવી રહેલા પરિવર્તન તથા વિવિધતા અને સમાવેશનના સિદ્ધાંતોને દર્શાવે છે, જે સિદ્ધાંતોનું એસીઆઇ સમર્થન કરે છે. એસસીઆઈ તેના જહાજો પર મહિલા સાગરખેડ્‍ઓને રોજગારી અપાવવામાં અગ્રેસર રહી છે તેમજ દરિયાઇ ક્ષેત્રમાં મહિલાઓનું પ્રતિનિધિત્‍વ વધારવા માટે તેની મેરીટાઇમ ટ્રેનિગ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ દ્વારા ઇચ્‍છેત મહિલા કેડેટને વયમાં છુટછાટ અને ફી છૂટ સહિત વિવિધ પહેલો પણ અમલમાં મૂકી છે. એસસીઆઈને ગયા વર્ષે, એનયુએસઆઈ દ્વારા, સૌથી વધુ સંખ્‍યામાં મહિલા સાગરખેડ્‍ૂઓને નોકરી આપનાર શિપિંગ કંપની તરીકે માન્‍યતા આપવામાં આવી હતી. આ ઉપરાંત એસીઆઇને મેરીટાઇમ ક્ષેત્રે વિવિધતા અને સમાનતાને પ્રોત્‍સાહન આપવા માટેના પ્રયત્‍નો માટે અનેક એવોર્ડ પણ એનાયત કરાયા હતા.

‘તમામ મહિલા અધિકારીઓનું નૌકાયન' એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, ૮ માર્ચ ૨૦૨૧ (આઈડબ્‍લ્‍યુડી ૨૦૨૧) ની થીમ ‘નેતૃત્‍વમાં મહિલાઓઃ કોવિડ -૧૯ વિશ્વમાં સમાન ભવિષ્‍ય પ્રાપ્ત કરવું'; તેમજ વર્ષ ૨૦૧૯ ની આઇએમઓ થીમ - ‘મેરીટાઇમ કમ્‍યુનિટિમાં મહિલાઓનુંસશક્‍તિકરણ કરવું'ની થીમ સાથે સુસંગત હોવા ઉપરાંત સમાન ભવિષ્‍યનું નિર્માણ અને કોવિડ-૧૯ રોગચાળામાંથી ફરીથી ઉભા થવાના વિશ્વભરની મહિલાઓ અને યુવતીઓના જબરજસ્‍ત પ્રયત્‍નોને ઓળખ આપવાનો એક પ્રયાસ છે. સાથોસાથ પૂર્વમાં પુરુષ પ્રભુત્‍વ ધરાવતા ક્ષેત્રમાં મહિલાઓ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી અનેક સિદ્ધિઓની ઉજવણી કરવાનો ઉદેશ્‍ય છે.

(1:13 pm IST)