Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

વિસાવદર પાલિકાનાં પૂર્વ પ્રમુખ કિરણબેન પુરોહિતનો કાળમુખા કોરોનાએ ભોગ લેતા ખાલી પડેલી વોર્ડ નં.૧ની પેટા ચૂંટણી જાહેર : ૩જી ઓકટોબરે મતદાન

જે વોર્ડમાંથી સતત ત્રણ વખત સમગ્ર શહેરમાં સૌથી વધુ લીડથી ચૂંટાઈ પ્રમુખ બનેલા કિરણબેનની ગેરહયાતીમાં યોજાનાર પેટા ચૂંટણી : રાજકીય ગરમાવો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૭ : વિસાવદર નગર પાલિકાના સ્વર્ગીય પ્રમુખ અને સ્થાનિક પત્રકાર વિનુભાઈ પુરોહિતનાં ધર્મપત્નિ કિરણબેન પુરોહિતનો કાળમુખા કોરોનાએ ભોગ લેતા ખાલી પડેલ વોર્ડ નં.૧ ની પેટા ચૂંટણી જાહેર થઈ છે.

પ્રાપ્ય વિગતો અનુસાર વિસાવદર નગરપાલિકાનાં વોર્ડ નં.૧ની (સામાન્ય  સ્ત્રી અનામત)ની પેટા ચૂંટણી યોજવા અંગેના જાહેર થયેલા સત્તાવાર કાર્યક્રમ મુજબ ચૂંટણી જાહેરનામુ પ્રસિધ્ધ કરવાની તા.૧૩-૯-૨૦૨૧, ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તા.૧૮-૯-૨૦૨૧, ઉમેદવારીપત્રો ચકાસણીની તા.૨૦-૯-૨૦૨૧, ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તા.૨૧-૯-૨૦૨૧, મતદાન તા.૩-૧૦-૨૦૨૧ રવિવાર અને મતગણતરીની તા.૫-૧૦-૨૦૨૧ નક્કી કરાયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,આ વોર્ડમાંથી સ્વર્ગીય કિરણબેન પુરોહિત સતત ત્રણ વખત સમગ્ર શહેરમાં સૌથી વધુ લીડથી ચૂંટાયેલા અને વિસાવદર નગર પાલિકાના પ્રમુખ તરીકે યશસ્વી સેવાઓ આપી હતી.જૂનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ તરીકે તેમજ વિસાવદર તાલુકા કોંગ્રેસ મહિલા સેલના પ્રમુખ તરીકેની પણ તેમની સેવાઓ નોંધનીય હતી.કાળમુખા કોરોનાનો આવા સતત સક્રિય-જાગૃત મહિલા નેતા ભોગ બનતા આજે ચાર માસ વીતવા છતા કિરણબેનને કોઈ ભૂલ્યા નથી..ત્યારે કિરણબેનનાં વોર્ડની પેટાચૂંટણી જાહેર થતા તેમની સ્મૃતિઓ સાથે રાજકીય પક્ષો વ્યુહરચના ગોઠવવામાં સક્રિય થયા છે.

(1:30 pm IST)