Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

અમરેલી જીલ્લામાં ખરા સમયે વરસાદ વરસતા પાકને ફાયદોઃ સાર્વત્રિક વરસાદની રાહ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૭ :.. શહેર અને જિલ્લામાં દિવસભર ધુપ-છાવભયુ વાતાવરણ અને સખ્ત ઉકાળાટ વચ્ચે ચલાલા શહેરમાં આખો દિવસના બફારા બાદ સાંજના પ કલાકે એકાએક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદનું આગમન થતા માત્ર ૩૦ મીનીટમાં અંદાજે બે ઇંચ જેવો વરસાદ પડયો હતો. ભારે વરસાદ પડવાથી વોર્ડ નં. ૧ માં ભીમનાથ મંદિર વિસ્તાર હુડકો, મફત પ્લોટ, માર્કેટ યાર્ડ, તળાવ કાંઠા જેવા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. ખેતી પાકને વરસાદની તાતી જરૂરીયાત હતી. તેવા સમયે સારા વરસાદથી આમ જનતામાં રાહત સાથે આનંદની લાગણી જોવા મળી રહી છે અને ચલાલા પંથકમાં સારા વરસાદથી ખેતી પાકને ફાયદો થવા પામેલ છે.

શહેરમાં પણ રાત્રીના જોરદાર વરસાદ વરસતા અંદાજે એક ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો. ખાંભા, રાજૂલા અને લાઠી, બાબાપુર, મોટા ભંડારીયામાં સાંજે સાડા પાંચ વાગ્યા પછી સુપડા ધારે એક ઇંચ જેવો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હોવાનું છે. બપોર બાદ ધીમી ધારે એક ઇંચ વરસાદ પડયો હતો. વરસાદ પડતાની સાથે વિજળી પણ ગુલ બની હતી. હજુ પણ અસહ્ય બફારો છે વાદળાઓ પણ આકાશમાં ઘેરાયેલા છે. કોટડા પીઠા આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડયો હતો. અને વિજળી ગુલ થવાથી બફારાના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. 

(1:22 pm IST)