Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

કુમકુમ તિલક કી કરો તૈયારી...આવી રહી છે ગણપતિજીની સવારી

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગણેશ મહોત્‍સવની સાદાઈથી ઉજવણી કરાશેઃ તૈયારીનો ધમધમાટ

રાજકોટ, તા. ૭ :. શુક્રવારથી ગણેશ મહોત્‍સવનો પ્રારંભ થશે. આ વખતે કોરોના મહામારીના કારણે ગણેશ મહોત્‍સવની સાદાઈથી ઉજવણી કરવામાં આવશે.
તા. ૧૦ને શુક્રવારે ગણેશ મહોત્‍સવનો ગણેશ ચતુર્થીથી પ્રારંભ થશે. કુમકુમ તિલકની તૈયારી સાથે ગણેશજીની સવારીને આવકારવા સૌ કોઈ ઉત્‍સાહમાં છે.
ભાદરવા સુદ ચોથને શુક્રવાર તા. ૧૦-૯-૨૦૨૧ના દિવસે ગણેશ ચતુર્થી છે. આ દિવસે ચિત્રા નક્ષત્ર બ્રહ્મયોગ તથા રવિયોગ શુભ છે. આમ આ વર્ષે ગણેશ ચતુર્થી માસ રહેશે.
ચિત્રા નક્ષત્રના ગ્રહોમાં સ્‍વામી મંગળ છે. ગ્રહના દેવના ગણપતિ દાદા છે. આથી ચિત્રા નક્ષત્રને શુભ ગણવામાં આવેલ છે તથા બ્રહ્મયોગ ઉત્તમ ગણવામાં આવે છે અને રવિયોગ દિવસના બધા જ અશુભનો નાશ કરનારો હોવાથી આપણે શુભ છે. આમ આ વર્ષે ગણેશ ચોથ ઉત્તમ રહેશે. ગણેશ ચોથ શુક્રવારે તા. ૧૦-૯-૨૦૧૧ ગણપતિ વિસર્જન રવિવારે તા. ૧૯-૯-૨૦૨૧ આ વર્ષે ગણપતિ ઉત્‍સવ ૧૧ દિવસના બદલે ૧૦ દિવસનો રહેશે. તેરસ તિથિ ક્ષય હોવાથી ૧૦ દિવસ ગણપતિ ઉત્‍સવ ચાલશે.
પ્રભાસપાટણ
(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણઃ દેવોના દેવ મહાદેવનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્‍યારે આગામી ગણેશ ચતુર્થીના ઉત્‍સવોના અનુસંધાને સોમનાથ પ્રભાસપાટણના પાદરમાં તેમજ સોમનાથના વેરાવળ પ્રવેશદ્વાર પાસે દુંદાળા દેવ ગણપતિબાપાની મૂર્તિઓ બનાવનારા-વેચનારા કારીગરોએ ડેરા તંબુ તાણ્‍યા છે.
ગત વરસે કોરોના સખ્‍ત પ્રતિબંધ વળી આર્થિક સ્‍થિતિ ઠપ્‍પ હતી ત્‍યારે આ વરસે તેમને કંઈક બે દોકડા કમાઈને રોજી રોટી મેળવવા ગણપતિ મૂર્તિ બનાવવા અને તેમાંથી પરિવારનું ગુજરાન ચલાવવા દિવસ-રાત પીંછી, કલર, માટી અને સુશોભન કરી મહેનત સાથે મૂર્તિઓને ફાઈનલ ટચ આપી રહ્યા છે. ઉમ્‍મીદ અને જેની આંખોમાં આશાનું કિરણ છે તેવા માંગરોળના ભાટી પરિવાર અને  લખમણ સોલંકી કે જેઓએ સોમનાથના હિરણ નદીના રોડ પાસે ઝૂપડી બનાવી છે. તેઓમાંના લખમણ સોલંકી કહે છે ‘અમો અહીં ચાર મહિનાથી ધામા નાખ્‍યા છે અને આ વરસે અમોએ સરકારના નિયમ મુજબની જ મૂર્તિઓ બનાવી છે હાલ ૬૦૦થી ૭૦૦ મૂર્તિઓ બનાવી છે. અમારી સાથે દેવા ગીરધર મારવાડી, ઈશ્વર અમરા ભાટી સાથી કારીગરો છે.
મૂર્તિ બનાવતા પહેલા સફેદ માટીને પાણીથી પલાળીયે પછી તેને બીબામાં એટલે કે મૂર્તિનો એક સરખો આકાર આપતા પ્રતિકૃતિમાં ઢાળીયે અને ઉભી મૂર્તિ ૪ ફૂટની બની જાય પછી તેને ટચીંગ આપીએ ત્‍યાર બાદ અસ્‍તર લગાવીએ પછી તેના ઉપર કલરકામ કરીએ. મૂર્તિ ઉપરના આભૂષણો માટે ગોલ્‍ડન કલર વાપરીએ, બાકી કેસરી તેમજ વિવિધ પાણી કલર વાપરીએ. હાલ ગ્રાહકો મૂર્તિ જોવા તો આવે છે, પરંતુ ખરીદી તો ગણેશ ચતુર્થીના આગલા દિવસથી જ સારા મુહુર્તમાં જ શરૂ થશે.
દર વરસે અમારી બહાર રાખેલ મૂર્તિઓ ઉપર જોરદાર ચોમાસા વરસાદ પડે એટલે થોડી નુકશાની પણ જાય છે પરંતુ હવે અમોએ અમારા ઝૂપડા ઉપર તાલપત્રી લગાવી છે પણ ઉત્‍સવોનો મુખ્‍ય આધાર ચોમાસું જ છે. જે આ વરસે ઓછું છે, જેને કારણે ઓછી ખરીદીની ભીતી છે કારણ કે સારા ચોમાસા - સારી આર્થિક સ્‍થિતિ ઉત્‍સવમાં માણસ મન મુકી વરસે છે, ખર્ચે પણ છે. સોમનાથ ખાતે આવા ત્રણ અને વેરાવળમાં લગભગ પાંચ ગણપતિ મૂર્તિકારોના તંબુ છે.

 

(11:06 am IST)