Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મોરારીબાપુ દ્વારા ઓલમ્પિક ખેલાડીઓને 57 લાખની તુલસી પ્રસાદી

મોરારી બાપુ દ્વારા અમરકંટકમાં "માનસ અમરકંટક" કથાનું ગાન: ઓલમ્પિક રમતમાં ખેલાડીઓનું મનોબળ વધારવા માટે વ્યાસપીઠ પર સંકલ્પ :

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :પૂજ્ય મોરારી બાપુ દ્વારા અમરકંટકમાં "માનસ અમરકંટક" કથાનું ગાન થઈ રહ્યું છે.આ કથા દરમ્યાન મોરારીબાપુએ જાણે સંકલ્પ કર્યો કે ઓલમ્પિક રમતમાં ખેલાડીઓનું મનોબળ વધારવા માટે વ્યાસપીઠ પણ કેવી રીતે પાછળ રહી શકે ?આ શુભ સંકલ્પને જાણે સાકાર રુપ મળ્યું.
બાપુએ કથા દરમિયાન આજે આઠમા દિવસે જાહેરાત કરી કે આપણાં ખેલાડીઓ ટોક્યો ઓલમ્પિક સુધી પહોંચે તે ઘટના જ આપણાં માટે ગૌરવરૂપ છે તેથી હાર કે જીત તે મહત્વનું નથી.પરંતુ વૈશ્વિક સ્પર્ધામાં ભારતના ખેલાડીઓની સામેલગીરી તે ભારતના જન જન માટે ગૌરવ લેવા જેવી બાબત છે. તેથી બાપુ ઉમેર્યું કે," હું આ કાર્યમાં કેવી રીતે પૂરક બની શકું અને મારી જાતને પ્રસન્ન કરી શકું તેવા સંકલ્પથી ભારતના ટોક્યો ઓલમ્પિકમાં ભાગ લેનાર કુલ 127 ખેલાડીઓ અને સાથે ગયેલાં 101 પુરક સ્ટાફના વ્યક્તિઓ પણ આપણા માટે સન્માનનીય છે. તેથી બધા મળીને કુલ 228 લોકોને વ્યાસપીઠ 25 -25 હજાર તુલસીદલ તરીકે આવતાં અઠવાડિયામાં સન્માનિત રાશિ મોકલી આપશે. આ તમામની ગણતરી કરતાં કુલ 57 લાખ રૂપિયા તુલસી પ્રસાદરૂપે વ્યાસપીઠ બધા જ ખેલાડીઓને સન્માન અર્થે મોકલશે.
પુ્. મોરારીબાપુની આ પહેલને એક ઉત્તમ રાષ્ટ્ર ભક્તિનું મહત્વનું પગલું સૌ કોઈએ ગણાવવું જ રહ્યું. આઠમા દિવસની આ કથામાં બાપુની આ જાહેરાતને સૌ શ્રોતાઓએ તાલીઓના હર્ષથી વધાવી લીધી.

(8:41 pm IST)