Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

જસદણમાં મેમન જમાતનાં ગરીબ પરિવારોને નિઃશુલ્ક ફલેટ અપાશેઃ કાલે હોેદેદારોના હસ્તે ખાતમુહૂર્ત

વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝરના જનરલ સેક્રેટરી શાબીરભાઇ પટકા સહિતના ઉપસ્થિત રહેશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૭ :.. જસદણ ખાતે આવતીકાલે મેમણ સમાજમાં સોનેરી દિવસ ઉગવા જઇ રહ્યો છે જેમાં વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝર દ્વારા જસદણમાં રહેતા મેમન જમાતનાં ગરીબ પરિવારો માટે તદન ફ્રિમાં ફલેટો આપવાના હોય તેનાં ખાત મુહુર્તમાં વર્લ્ડ મેમન જમાતનાં અનેક હોદેદારો ગુજરાત તેમજ બીજા રાજયોમાંથી અનેક આગેવાનો તેમજ દાતાશ્રીઓ ઉપસ્થિત રહેવાનાં હોય જસદણ મેમન જમાતની જુદી જુદી સંસ્થાઓ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.

જસદણનાં ગઢડીયા રોડ ઉપર આવેલ મેમન કોલોની વર્ષોથી જુની હોય સાવ જર્જરીત થઇ ગઇ છે આ સોસાયટીમાં રહેતા તેમજ જસદણનાં બીજા ગરીબ પરિવારો માટે વર્લ્ડ ઓર્ગેનાઇઝર દ્વારા મોટુ યોગદાન આપવામાં  આવ્યુ હોય તેમજ સ્થાનિક અને બીજા દાતાઓ દ્વારા આપવામાં આવેલ ફંડ દ્વારા ર૦ પરિવારો માટે 'આશીયાના' પ્રોજેકટ હેઠળ ફલેટ બનાવવાનાં હોય તેની પાયા વિધિ વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝરનાં જનરલ સેક્રેટરી શાબીરભાઇ પટકા મુંબઇના હસ્તે રાખવામાં આવ્યું છે.

આવતી કાલે સવારે ૧૦ વાગ્યે પ્રારંભ થનારા આ સમારોહમાં અહેશાનભાઇ ગાડાવાળા, હસનભાઇ અઘાડી, ભારતનાં  જાણીતા હાર્ટ સર્જન ડો. નાસીર ફુલારા, સોહીલ ખંડવાલા, ઇમ્તીયાઝ મોટરવાલા, જાવેદ પારેખ, ઇરફાનભાઇ ખીમાલત બધા મુંબઇ વગેરે મહાનુભાવો તેમજ જસદણ મેમન જમાતના પ્રમુખ ઇમરાન ખીમાણી, રશીદભાઇ ગનીયાણી, રાહીલ પરીયાણી, તૌફિક ખીમાણી, સલીમભાઇ ખીમાણીની હાજરીમાં પાયા વીધી યોજાશે.

આ કાર્યક્રમની સાથે રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોર્ચા અને જસદણ લઘુમતિ મોર્ચાનાં નેઝા હેઠળ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ કોવિડ રસીકરણનાં કેમ્પનું મેમન કોમ્યુનીટી હોલ  ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી મેમન શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેવાનાં છે. જસદણ ખાતે વર્લ્ડ મેમન ઓગેનાઇઝરનાં પ્રમુખ પ્રથમ વખત આવતા હોય આ ભવ્ય સમારોહને સફળ બનાવવા જસદણ મેન જમાત, મેમન શરાફી સહકારી મંડળી, મેમન મિત્ર મંડળ, વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝર જસદણ યુથ વિંગના હોદેદારો, સભ્યો તથા મેમન જમાતના દરેક લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.

(1:59 pm IST)