Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

સુશાસનના પાંચ વર્ષ નારી ગૌરવ દિવસ

જૂનાગઢમાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ર.૯૫ કરોડની વગર વ્યાજની લોનના ચેકનું વિતરણ

જૂનાગઢ તા.૭ : સુશાસનના પાંચ વર્ષ સેવાયજ્ઞ અંતર્ગત આજે જૂનાગઢ શહેરની ૨૯૫ મહિલાઓને રૂ. ૨.૯૫ કરોડની વગર વ્યાજની લોનના ચેકનું વિતરણ કરાયુ છે. લોનનું વ્યાજ સરકાર દ્વારા ભરાશે. આ તકે ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાયના અને વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને મંજુરી પત્રો અપાયા હતા.

શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે સામાજીક ન્યાય અને અધિકારીના રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ,ડેપ્યુટી  મેયર હિમાંશુ પંડ્યા,જિલ્લા કલેકટર રચિત રાજ, મ્યૂ.કમિશ્નર આર.એમ. તન્ના,જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખ,શહેર ભાજપ પ્રમુખશ્રી પુનીતભાઇ શર્મા,સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી રાકેશભાઇ દ્યુલેશીયા તથા કોર્પોરેટરો અધિકારીઓ સહભાગી થયા હતા.

આ પ્રસંગે મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે રાજય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરતા મંત્રીશ્રી વાસણભાઇ આહિરે કહ્યું કે,દિકરીના જન્મથી લઇ તેનું શિક્ષણ પુરૂ થાય ત્યાં સુધીની કાળજી સરકાર દ્વારા લેવામાં આવે છે. એટલું જ નહિં તેમને પગભર બનાવવા અનેક મહિલાલક્ષી યોજનાઓ વર્તમાન સરકારે અમલી  બનાવી છે.

મેયરશ્રીધીરૂભાઈ ગોહેલએ જૂનાગઢ કોર્પોરેશન દ્રવારા રૂા ૫૦૯ કરોડના વિકાસકામો હાલ કાર્યરત છે, તેમ જણાવી ઉમેર્યું કે,આપણે સૌના સાથ સૌના સહકારથી વિકાસના નવા સોપાનો સર કરવા છે. મહિલા અગ્રણી શ્રીમતી જયોતિબેન વાછાણીએ રાજય સરકારની મહિલા કલ્યાણની યોજનાઓની વિગતો આપી હતી.

નારી ગૌરવ દિન નિમિત્ત્।ે મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે પ્રોગ્રામ ઓફીસર વત્સલાબેન દવેએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન હારૂનભાઈ વિહળે અને આભારદર્શન પ્રોજેકટ ઓફિસર નિશાબેન ધાધલે કર્યું હતું.

(11:38 am IST)