Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

પોરબંદરમાં ડીમોલેશન સમયે પથ્‍થરમારા સંબંધે ૪૦થી વધુ શખ્‍સોને પોલીસ દ્વારા રાઉન્‍ડ અપ

જુનાગઢ રેન્‍જ ડીઆઇજી પોરબંદર દોડી આવેલ અને શાંતિ સમિતિની બેઠક યોજીઃ પોલીસ દ્વારા લોકોના ટોળા વિખેરવા કરેલ લાઠીચાર્જમાં રર લોકોને ઇજા : પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્‍ટેશન અને ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારો તેમજ રાણાવાવ અને કૃતિયાણાના પોલીસ સ્‍ટેશન વિસ્‍તારોમાં તા. ૧૦ મી ઓકટોબર સુધી કલમ ૧૪૪ લાગુ : આ વિસ્‍તારોમાં ચારથી વધુ વ્‍યકિતઓને એકત્ર થવા ઉપર પ્રતિબંધ

(હેમેન્‍દ્રકુમાર પારેખ, પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. પ :  શહેરમાં દરગાહ નજીક તંત્ર દ્વારા ડીમોલેશન કામગીરી સમયે પથ્‍થરમારો થયેલ તે સંબંધે પોલીસે ૪૦ થી વધુ શખ્‍સોને રાઉન્‍ડ અપ કરી લીધાં છે.

પથ્‍થરમારા સંબંધે મેમણવાડા વિસ્‍તારમાંથી પોલીસે ૧૦ થી ૧પ શખ્‍સોને રાઉન્‍ડઅપ તેમજ ઉદ્યોગનગર વિસ્‍તારમાંથી ર૦ થી રપ શખ્‍સોને પોલીસે રાઉન્‍ડ અપ કર્યા છે. શહેરમાંથી કુલ ૪૦ થી વધુ શખ્‍સોને પોલીસે રાઉન્‍ડ અપ કરી લીધાં છે.

ગઇકાલે દરગાહ નજીક ડીમોલેશન કામગીરી સમયે લોકોના ટોળા ઉમટી પડતાં બેકાબુ ટોળા ઉપર કાબુ મેળવવા પોલીસે ટીયર ગેસ છોડીને લાઠીચાર્જ કરેલ અને લાઠીચાર્જમાં રર લોકો ઘવાયા હતા શહેરમાં ગઇકાલે પરિસ્‍થિતિ તંત્ર બનતા જુનાગઢ રેન્‍જના ડીઆઇજી બપોરે પોરબંદર દોડી આવ્‍યા હતા અને મુસ્‍લીમ આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ બોલાવીને સૌને શાંતિ જાળવવા અપીલ કરી છે.

દરમિયાન અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ એમ. કે. જોષી દ્વારા તા. ૪ ઓકટોબરથી તા. ૧૦ ઓકટોબર સુધી શહેરના કીર્તિમંદિર અને ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશનોનો વિસ્‍તાર  તેમજ કુતિયાણા અને રાણાવાવના પોલીસ સ્‍ટેશનના વિસ્‍તારોમાં ૧૪૪ કલમ લાગુ કરતુ જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામા મુજબ ચારથી વધુ વ્‍યકિતઓને એકત્ર થવા ઉપર પ્રતિબંધ મુકી દીધો છે.

પોરબંદરમાં દરિયાઇપટ્ટી ઉપર અને શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સહિત દરિયાકાંઠા નજીકના વિસ્‍તારોમાં થયેલા દબાણો દૂર કરવા ગાંધીનગરથી મળેલા આદેશ પ્રમાણે કાર્યવાહી ચાલુ થયેલ. ત્‍યારે દરગાહ પાસે ડિમોલિશન મુદ્દે લોકોનું ટોળું ચાદર લઇને સુભાષનગર રોડથી જયુબેલી ચાર રસ્‍તા થઇને દરગાહે જતુ હતુ ત્‍યારે પોલીસે તેને અટકાવવાની ફરજ પડી હતી. પરિસ્‍થિતિ તંગદિલી ભરી બનતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. છતાં ટોળુ કાબુમાં નહીં આવતા ટીયરગેસના ત્રણ સેલ છોડવામાં આવ્‍યા હતા. પોલીસના લાઠીચાર્જમાં રર લોકોને ઇજા થઇ હતી અને  સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડયા હતા. આ બાબતને લઇને મુસ્‍લિમોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને તંત્રએ ખોટી રીતે કાયદેસરની જગ્‍યામાં ડિમોલિશન કર્યાનો આરોપ કર્યો છે.

જયારે ગોસાબારામાં તંત્ર દ્વારા દરગાહ પાસે ગેરકાયદેસર ચણાયેલી દીવાને તોડી પાડવામાં આવી હતી ત્‍યારબાદ સવારથી જ જુદી જુદી અફવાઓ ચાલી રહી હતી કે  કાયદેસર હોવા છતાં ડિમોલિેશન કરી નાખ્‍યું હોવાની વાતો મુસ્‍લિમ સમાજના લોકો સુધી પહોંચતા ટોળા રોડ ઉપર ઉતરી આવ્‍યા હતા અને રોષ ઠાલવ્‍યો હતો.

(1:31 pm IST)