Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

હિમાલયન કાર રેલી જીતનાર સુરેન્દ્રનગરના ભરત દવે, જિંદગીની રેસ હારી ગયાઃ ૬૬ દી' લડયા બાદ પછી જામનગરના પત્રકાર અઘમ જંગ હાર્યાઃ કચ્છમાં પણ કોરાના વધુ બે ને ભરખી ગયો

ગોંડલના વિજ તંત્રના ટીઆર સર્કલમાં ૧૮ કર્મચારીઓ સંક્રમિતઃ મોરબી-ટંકારામાં વધુ ૧૪ કેસઃ કચ્છમાં ૧૯, ભાવનગરમાં ૩૧ કેસ

રાજકોટ તા. પ :.. સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના બેકાબુ બન્યો હોય તેમ કેસ વધી રહ્યા છે. જેમાં પણ હિમાલયન કાર રેલી જીતનાર સુરેન્દ્રનગરના ભરત દવે તથા જામનગરના જાણીતા પત્રકાર ઇકબાલ અદ્યમના કોરનાના લીધે અવસાન થતા દુઃખની લાગણી વ્યાપી છે તો કચ્છમાં પણ કોરાનાથી બેના મોત થયા છે.

બીજી તરફ ગોંડલના વિજ તંત્રના ટીઆર સર્કલમાં ૧૮ કર્મચારીઓ સંક્રમતિ થયા છે ભાવનગર જીલ્લામાં ૩૧ અને મોરબી-ટંકારામાં ૧૪ કેસ નવા નોંધાવા પામ્યા છે. જે અહેવાલો અહીં રજૂ છે.

ઝાલાવાડમાં રવિવારે ચારનો ભોગ લેવાયો

કોરોનાથી રવિવારે સુરેન્દ્રનગર જિલ્લામાં ૪ મોત થયા છે. જેમાં આંતર રાષ્ટ્રીય કાર રેલીમાં ઝાલાવાડનું નામ રોશન કરનાર કાર રેસર ભરત દવે કોરોના સામે જિંદગીની જંગ હારી ગયા છે. તેમને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાતા હતા ત્યારે કુવાડવા નજીક ઓકિસજન ખૂટી જતા તેમનું મોત થયું છે. તેઓ ભારતના સૌ પ્રથમ કાર રેલી વિજેતા હતાં. ૧૯૮પ થી ૧૯૯૦ સુધી તેઓ સતત ૬ વખત હિમાલયન કાર રેલીમાં અવ્વલ નંબરે આવ્યા હતાં.

જસદણના પત્રકારે શબ્દાંજલી અર્પી

જામનગરની કોવીડ હોસ્પિટલમાં કોરોના સામે ૬૬ દિવસની લાંબી લડત બદ જામનગરના પત્રકાર ઇકબાલ અધમ જિંદગીનો જંગ હાર્યા છે બે મહિનાથી વધુ દિવસોની સારવાર કારગત નહિ નીવડતા તેઓ જીવનનો જંગ હાર્યા છે તેઓના દુઃખદ નિધનથી પત્રકાર આલમમાં શોકની લાગણી છવાઇ છે. જસદણના પત્રકા હુસામુદીન કપાસીએ ઇકબાલભાઇની કામગીરી યાદ કરી શબ્દાંજલી વ્યકત કરી હતી.

કચ્છમાં નવા ૧૮ કેસ

ભુજના અહેવાલ મુજબ કચ્છ જિલ્લામાં કોરોનાનો કકળાટ દિવસે દિવસે વધી રહ્યો છે. કાળમુખા કોરોનાએ વધુ ૨ માનવ જિંદગીનો ભોગ લીધો છે. તે સાથે જ મૃત્યુ આંક પણ ઉંચકાયો છે. જોકે, સરકારી ચોપડે ૬૭ મોત દર્શાવાયા છે, પણ બિનસતાવાર મોતનો આંકડો ૧૧૨ થવા જાય છે. નવા ૧૯ કેસ સાથે કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો વધીને ૨૨૩૭ ઉપર પહોંચ્યો છે. જયારે એકિટવ કેસમાં પણ ઉછાળો આવ્યો છે, સારવાર લેતા દર્દીઓની સંખ્યા ૩૭૧ ઉપર પહોંચી છે. હવે મોતના આંકડાની કરાતી લુકાછૂપીની વાત કરીએ તો, ૩૭૧ એકિટ્વ દર્દીઓ અને ૧૭૫૪ સાજા થયેલા દર્દીઓ બંનેનો સરવાળો ૨૧૨૫ થાય છે.

હવે કુલ દર્દીઓની સંખ્યા ૨૨૩૭ માંથી ૨૧૨૫ એકિટવ અને સાજા થયેલા દર્દીઓને બાદ કરીએ તો ૧૧૨ દર્દીઓની ઘટ આવે છે. હવે સરકારી ચોપડે ૬૭ મોત દર્શાવાયા છે,

જયારે સરકારી આંકડાઓ જ બતાવે છે કે, બિનસતાવાર મોતનો આંક ૧૧૨ હોઇ શકે છે. જોકે, મીડીયામાં દર્શાવાતી શંકાને કચ્છનું વહિવટીતંત્ર રદ્દીયો આપતું નથી, એટલે સ્પષ્ટ જણાય છે કે, કોરોનાના દર્દીઓ મામલે આંકડાઓની લુકાછૂપીનો ખેલ ચાલુ છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા બાબતે પણ આવું જ થઈ રહ્યું છે. પરિણામે લોકોમાં કયાંકને કયાંક સરકાર પ્રત્યે પણ શંકા અને અવિશ્વાસની લાગણી વ્યકત થઈ રહી છે.

ભાવનગરમાં કોરોનાનો કુલ આંક ૪૩૦૦ ને પાર

ભાવનગરમાં વધુ ૩૧ પોઝીટીવ કેસ નોંધાતા અત્યાર સુધીનો કુલ આંક વધીને ૪૩૧૮ થયો છે.

કોરોના વાઇરસનો કહેર હજુ યથાવત રહ્યોછે.

રવિવારે ભાવનગર શહેરમાં રપ કેસ અને ભાવનગર ગ્રામ્યમાં ૬ મળી કુલ ૩૧ પોઝીટીવ કેસ નોંધાતા છે. શહેરમાં ર૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જયારે ગ્રામ્યમાં પ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજનાં ૩૧ પોઝીટીવ કેસથી જીલ્લાનો કુલ પોઝીટીવ આંક વધીને ૪૩૧૮ સુધી પહોંચી ગયો છે. ગોંડલ કર્મચારીઓ હોમ આઇસોલેશન કરાયા

ગોંડલ :વિજતંત્રના ટ્રાન્સમિશન સર્કલમાં કોરોના એ અજગર ભરડો લઈ એકીસાથે ૧૮ કર્મચારીઓ અધિકારીઓ કોરોના સંક્રમિત થતા આખી સર્કલ કચેરી બંધ કરી સેનેટાઇઝર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, ટીઆર સર્કલમાં કુલ ૨૫ નો સ્ટાફ છે તેમાંથી ૧૮ ટેસ્ટ દરમ્યાન કોરોના પોઝીટીવ થતા સ્ટાફ ગભરાઈ જવા પામ્યો હતો. જે કોરોના સંક્રમિત થયા છે તે તમામ ને હોમ આઇસોલેશન કરી દેવામાં આવ્યા છે.

મોરબી ૨૨ દર્દીઓ ર્ડીસ્ચાર્જ

મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે જોકે કોરોના કેસ કરતા રીકવરી રેટ વધુ જોવા મળી રહ્યો છે અથવા તો બતાવવા પ્રયાસ કરાઈ રહ્યો છે આજે મોરબીમાં કોરોનાના વધુ ૧૪ કેસ નોંધાયા છે તો ૨૨ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે

મોરબી જીલ્લામાં રવિવારે નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૩ કેસમાં ૦૨ ગ્રામ્ય અને ૧૧ શહેરી વિસ્તારમાં જયારે ટંકારાનો ૦૧ કેસ ગ્રામ્ય પંથક મળીને કુલ ૧૪ કેસો નોધાયા છે તો ૨૨ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે કુલ કેસનો આંક ૧૭૮૭ થયો છે જેમાં ૨૦૫ એકટીવ કેસ છે જયારે ૧૪૮૫ દર્દીઓ અત્યાર સુધીમાં સ્વસ્થ થયા છે.

ગોંડલ  દ્વારા કોરોનાનું  લિસ્ટ આપવાનું બંધ

ગોંડલ : શહેર પંથકમાં કોરોના નો કાળો કેર પ્રસરી ગયો છે ત્યારે છેલ્લા બે દિવસથી વહીવટી તંત્ર દ્વારા કોઈપણ કારણોસર મીડિયાને કોરોના પોઝિટિવ પેશન્ટ નું લિસ્ટ આપવાનું બંધ કરાતાં અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે.

કોરોના નું લિસ્ટ રોજિંદા પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ દ્વારા આપવામાં આવતું હતું પરંતુ છેલ્લા બે દિવસથી આ લિસ્ટ આપવાનું બંધ કરી જણાવાયું હતું કે જિલ્લા કક્ષાએથી સૂચના છે કે તાલુકા લેવલે લિસ્ટ ન આપવું અને લિસ્ટ જોઈતું હોય તો ડીસ્ટ્રીક લેવલથી લીસ્ટ મેળવી લેવું વાસ્તવમાં કોરોના નું લિસ્ટ આપવામાં આવતા સોશિયલ મીડિયા અને અખબારોમાં રોજિંદા કોરોનાના કેસ અંગે માહિતી પ્રસિદ્ઘ કરવામાં આવતી હતી જેના પરિણામે લોકો જાગૃતતા સાથે સાવચેત રહેતા હતા હાલ આ માહિતી બંધ કરાતા લોકો પણ વિમાસણમાં મુકાયા છે કે કોણ કોરોના પોઝીટીવ છે કે કોણ નથી તે જાણી શકાતું નથી કોરોના લિસ્ટ પ્રસિદ્ઘ કરવા અંગે જિલ્લા તંત્રને શું પેટમાં દુખે છે તે અંગે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યાં છે.

(11:09 am IST)