Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

કુતિયાણા ભાજપમાં ચૂંટણી પહેલા ભંગાણ : તા.પં.ના પૂર્વ પ્રમુખ ભીમાભાઇ સહિત ૧પ૧ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. પ : કુતિયાણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભીમાભાઇ સીદીભાઇ મોઢા સહિતના ૧પ૧ કાર્યકરો અને આગેવાનો પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા જતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કુતિયાણા ભાજપમાં ભંગાણ સર્જાતા રાજકીય માહોલ ગરમ થયેલ છે.

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં ભાજપને મજબૂત કરવામાં પાયાની ભૂમિકા ભજવનાર ભીમાભાઇ સીદીભાઇ મોઢા (ભદાભાઇ કોટડાવારા) કે જેમણે કુતિયાણા તાલુકા પંચાયતમાં માજી પ્રમુખ, કુતિયાણા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના માજી ચેરમેન, કુતિયાણા માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને કોટડા ગ્રામ પંચાયતના માજી સરપંચપદે સેવા આપેલ છે તેવા પીઢ અનુભવી અને મજબૂત જનતાધાર વાળા આગેવાને ભાજપને અલવિદા કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષમાં પોતાના ૧પ૧ જેટલા ટેકેદાર કાર્યકરો અને આગેવાનો સાથે જોડાયેલ છે.

આવનારા દિવસોમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે કુતિયાણા તાલુકા ભાજપમાં મોટુ ભંગાણ સર્જાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભીમાભાએ પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઇ મોઢવાડીયા અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામતભાઇ ઓડેદરાની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ મેળવતા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ઉત્સાહમાં વધારો થયો છે. આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ અગ્રણી અર્જુનભાઇ સાથે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સામતભાઇ ઓડેદરા તથા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરા, કુતિયાણા તાલુકા કોંગ્રેસના પ્રમુખ અરજનભાઇ સોલંકી, કુતિયાણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઠેબાભાઇ ચૌહાણ, રામભાઇ મારૂ, ભીમાભાઇ મોડેદરા, અશ્વિનભાઇ ભાલોડીયા, નાથા બાવાના પટેલ, દેવા પટેલ, કેશુભાઇ પરમારની સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

(12:51 pm IST)