Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

સોમનાથના ધારાસભ્યને કોરોનાનો ચેપ લાગ્યો

વિધાનસભામાંથી આવ્યા પછી તબિયત લથડી હતી : વિમલએ સોશિયલ મીડિયામાં કોરોના અંગે જાહેરાત કરી હતી અને સંપર્કમાં આવેલા લોકોને રિપોર્ટ કરાવાનું કહ્યું

સોમનાથ,તા.૪ :  રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સહેજ પણ ઓછું થયું નથી. લોકો વાયરસને ગંભીરતાથી ન લેવાની ભૂલ કરીને પોતાની સાથે બીજાને પણ જોખમમાં મૂકતા હોય છે. દરમિયાન આ તમામ સ્થિતિમાં વધુ એક નેતા કોરોનાની ઝપટમાં આવી ગયા છે. રાજ્યના જ્યોર્તિલિંગ ધામ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને કોરોનાનો ચેપ લાગ્યો છે. વિમલ ચુડાસમાએ સોશિયલ મીડિયામાં આ અંગે જાહેરાત કરી અને સંપર્કમાં આવેલા લોકોને સંદેશો આપ્યો હતો. ચુડાસમા હાલ પોતાના નિવાસસ્થાને ક્વૉરન્ટાઇન છે. ચુડાસમાએ લખ્યું કે ગાંધીનગર ખાતે ૧૪મી વિધાનસભામાંનું સત્ર પૂર્ણ થયા બાદ મારી તબીયત નાજૂક જણાતા રિપોર્ટ કરાવ્યો હતો જે રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી મારા સંપર્કમાં આવેલા હોય તેઓને નર્મ અપીલ છે કે લક્ષણ જણાય પોતોનો રિપોર્ટ કરાવવો અને ક્વૉરન્ટાઇન થવું. દરમિયાન આ સપ્તાહમાં મોરબીના પૂર્વ ધારસભ્ય કાંતિ અમૃતિયા પણ કોરોનાની ઝપટમાં આવ્યા હતા.

             તેમને તેમના ધર્મપત્ની અને દીકરાને વાયરસનો ચેપ લાગ્યો છે. તેઓ ગાંધીનગર નિવાસસ્થાને ક્વૉરન્ટાઇન છે. જ્યારે અગાઉ અમરેલીના સાંસદ નારણ કાછડિયાને કોરોના થતા તેઓ પણ હોમ ક્વૉરન્ટાઇન થયા હતા. ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંક ૬૫ લાખને પાર પહોંચી ગયો છે. જેની સામે તેની સામે કોવિડ-૧૯ સામે લડતાં એક લાખથી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૭૫,૮૨૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૯૪૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૬૫,૪૯,૩૭૪ થઈ ગઈ છે. બીજી તરફ, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૫૫ લાખ ૯ હજાર ૯૬૭ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ ૯,૩૭,૬૨૫ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૦૧,૭૮૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

(8:07 pm IST)