Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

માળીયા મિંયાણાના જુના ઘાટીલા ગામે બે પરીવારો વચ્ચે મારામારીઃ સામસામી ફરીયાદ

મહિલાનો પીછો કરવાની શંકા બાબતે સમજાવવા જતા પાઇપ-લાકડી ઉડયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૪: માળીયા મિયાણા તાલુકાના જુના ઘાંટીલા ગામે મહિલાનો પીછો કરવાની શંકા બાબતે બે પક્ષો વચ્ચે છુટા હાથની મારામારી થતા બન્ને પક્ષોએ માળીયા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ દાખલ કરી છે.

પ્રથમ ફરિયાદમાં જયંતીભાઈ સોમાભાઈ ઉપાસરીયાએ જુના ઘાંટીલા ગામના જ રહેવાસી મનીષભાઈ મનસુખભાઈ ધોરકડીયા, શંકરભાઇ બીજલભાઈ શાકરીયા અને રમેશભાઈ વિડજીભાઈ ધોરકડીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તેમના ભાભીનો પીછો મનીષભાઈ કરતા હોવાની હોવાની શંકા જયંતીભાઈને હતી. જેથી જયંતીભાઈએ આ બાબતે મનીષભાઈને સમજાવવા જતા મનીષભાઈએ જયંતીભાઈ સાથે ઝપાઝપી કરી ગાળો ભાંડી હતી. એ સમયે જયંતીભાઈ સાથે રહેલા કાંતીભાઈને તથા અશોકભાઈને પણ માથામા છુટા પથ્થર વડે ઈજા પહોચાડી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. જયારે  શંકરભાઇ તથા રમેશભાઈ એ જયંતીભાઈને માથામા લોખંડની પાઈપ વડે તથા શરીરે ઈજા પહોચાડી હતી અને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.

જયારે બીજી ફરિયાદમાં મનીષભાઇ મનસુખભાઇ ધોરકડીયાએ જયંતીભાઇ સોમાભાઇ ઉપાસરીયા, અશોકભાઇ સોમાભાઇ ઉપાસરીયા તથા કાંતીભાઇ બચુભાઇ ઉપાસરીયા વિરૃધ્ધ  ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, આરોપીને તેમની ભાભીની છોકરીનો પીછો મનીષભાઇ કરતો હોય તેવી શંકા કરી હતી અને મનીષભાઇને ભુંડા બોલી ગાળો આપી હતી. આ ઉપરાંત લાકડી વડે મનીષભાઇ તથા કરભાઇ બીજલભાઈ શાકરીયા અને રમેશભાઈ વિડજીભાઈ ધોરકડીયા ઉપર હુમલો કરી માથા તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હાલ માળીયા પોલીસે બન્ને ફરિયાદને આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:38 pm IST)