Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

મોરબીમાં ચાલુ સત્રથી મેડીકલ કોલેજમાં ૧૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશની મંજુરી મળી

નેશનલ મેડીકલ કમીશન દ્વારા મંજુરીની મહોર : મંત્રી બ્રિજેશભાઈ મેરજા

મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ  મેરજાએ મોરબીને મેડીકલ કોલેજ મળે તે માટે સઘન પ્રયાસો કર્યા હોય જેની ફળશ્રુતિ રૂપે મોરબી મેડીકલ કોલેજને મંજુરી મળી ગઈ છે તો હવે આ વર્ષથી ૧૦૦ વિદ્યાર્થીઓના પ્રવેશની મંજુરી મળી છે.

મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે નેશનલ મેડીકલ કમીશનનો લેટર ઓફ ઇન્ડેકટ રાજ્ય સરકારને મળી ગયો છે જેમાં જણાવ્યા અનુસાર મોરબી મેડીકલ કોલેજને આ વર્ષથી ૧૦૦ વિદ્યાર્થીઓના પ્રવેશની મંજુરી આપી છે GMERS મોરબી મેડીકલ કોલેજમાં ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને અભ્યાસની તક મળે તે માટે સતત ફોલોઅપના અંતે નેશનલ મેડીકલ કમીશન દ્વારા મોરબી મેડીકલ કોલેજ માટે વર્ચ્યુઅલી ઇન્સ્પેકશન રાખ્યું હતું જેમાં બ્રિજેશભાઈ મેરજાએ ઊંડાણપૂર્વક રસ લઈને ચાલુ સત્રમાં ૧૦૦ વિદ્યાર્થીઓને અભ્યાસની સગવડતા અંગે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને પુરક બની, ગીબશન સ્કૂલ સંકુલમાં મેડીકલ કોલેજ ચાલુ કરવાની જે જહેમત ઉઠાવી હતી તે લેખે લાગી છે.
નેશનલ મેડીકલ કમિશને ગીબ્શન સ્કૂલ સંકુલમાં ચાલુ વર્ષથી જ ૧૦૦ વિદ્યાર્થીઓ સાથે એમબીબીએસનું પ્રથમ વર્ષ ચાલુ કરવા સત્તાવાર મંજુરી આપી છે જેથી મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને રાજ્યના આરોગ્ય મંત્રીનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો છે.

(12:53 am IST)