Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

નારી શક્તિને વંદન: મહિલાઓના સામર્થ્ય થકી રાજ્ય- દેશને નવી દિશા મળી છે : મહિલાઓને સમાન અવસર-સન્માન આપવાની સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલા ઉત્કર્ષની અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે : મહિલા સશક્તિકરણની દિશામાં ગુજરાત અગ્રેસર છે : મહિલાઓનો સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલ

‘આપણો દેશ શક્તિનો ઉપાસક છે : પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ : જૂનાગઢમાં ‘નારી વંદન ઉત્સવ’ કાર્યક્રમ અનવ્યે રાજ્યકક્ષાના ‘મહિલા નેતૃત્વ દિવસ'ની શાનદાર ઉજવણી કરાઇ : મહિલા મહાનુભાવોના હસ્તે મહિલાઓનું સન્માન, સહાય વિતરણ કરાયુ : લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાના લાભો આપવા યોજાયા ૧૬ કેમ્પો

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૪ - રાજ્યમાં નારી વંદન ઉત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત  રાજયકક્ષાના મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને અને પશુપાલન અને ગૈાસંવર્ધન રાજયમંત્રીશ્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે થઇ હતી. 

આ તકે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલે કહ્યું હતું કે, 'નારી વંદન ઉત્સવ’ સાતેય દિવસ વિવિધ થિમથી સાત જિલ્લામાં ઉજવવાનું નક્કી કરાયું છે. જેમાં ચોથા દિવસે ‘મહિલા નેતૃત્વ દિવસ'ની ઉજવણી કરાઈ રહી છે.  મંત્રી શ્રી એ મંચ ઉપર વિવિધ ક્ષેત્રે જૂનાગઢ જિલ્લાની નેતૃત્વ કરતી મહિલાઓને અભિનંદન આપ્યા હતા.

મંત્રીશ્રી મનીષાબેને વધુમાં કહ્યું હતું કે કોઈ પણ રાજ્ય દેશને આગળ વધારવા મહિલાઓની ભાગીદારી ખૂબ જરૂરી છે. શિક્ષણ ઉપરાંત કોઈ પણ રોજગાર કૌશલ્ય લક્ષી આવડત દ્વારા પણ મહિલાઓ પગભર બની શકે છે. તે સંદર્ભમાં મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે સીવણ કામ કરી, એલોવેરાની પ્રોડક્ટ જેવી આવડતો દ્વારા મહિલાઓ પગભર બની છે, બની શકે છે. અનેક બહેનો માત્ર હસ્તકલાના સખી મેળામાં જ વેચાણ કરીને પગભર બની છે. દરેક મહિલાઓમાં કઈને કઈ ક્ષમતા રહેલી છે .બસ તેને બહાર લાવવાની તકની જરૂર છે, ધર બેસીને પણ બહેનો કામ કરી શકે છે. થોડા પ્રયાસો બાદ ચોક્કસ સફળતા પ્રાપ્ત થઈ શકશે. દીકરીઓને ભણાવીને પગભર કરવી જોઈએ.

દીકરીઓ - મહિલાઓ પગભર બને તેનો સર્વાંગી વિકાસ તે માટે રાજ્ય સરકાર સતત ચિંતા કરી રહી છે.  વિધવા પેન્શન, વ્હાલી દીકરી યોજના, અભિયમ હેલ્પલાઇન, નારી સંરક્ષણ ગૃહો, સખી મંડળો, મહિલા આયટીઆય વગેરે તેના ઉદાહરણો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં મહિલાઓને સન્માન મળે મહિલાઓનો ઉત્કર્ષ થાય અને સમાન અવસર મળે તેવી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાત પણ મહિલા સશક્તિકરણની દિશામાં અગ્રેસર છે.

  આ તકે પશુપાલન મંત્રી દેવાભાઈ માલમે કહ્યું હતું કે, નારીની પૂજા થાય ત્યાં દેવતાઓ વાસ કરે છે. આપણા દેશમાં શક્તિની ઉપાસના થાય છે. ત્યારે મહિલાથી લઈ કિશોરીઓના સશક્તિકરણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. એટલે જ નારી વંદન કાર્યક્રમ રાજ્ય સરકાર કરી રહી છે.

જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયાએ કહ્યું હતું કે, ગુજરાત સરકાર નારી વંદન  કાર્યક્રમ દ્વારા  મહિલાને પ્રોત્સાહિત કરી રહી છે. મહિલા આત્મનિર્ભર બને તે માટે વ્હાલી દીકરી યોજનાથી લઇ ગંગા સ્વરૂપ યોજના થકી મહિલાઓની ઉન્નતિ માટે પ્રયત્ન કરી રહી  છે.

આ કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમારે કહ્યું હતું કે ભારતીય પરંપરાએ હંમેશા નારીને પૂજનીય ગણી છે. સરકાર દ્વારા  મહિલાઓની ઉન્નતિ માટે વિવિધ કલ્યાણકારી યોજના અમલી બનાવી છે.

પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. મહિલા લાભાર્થીઓએ પોતાની સફલ્યગાથા રજૂ કરી હતી. સફળ નેતૃત્વ કરનાર મહિલાઓએ પણ પ્રતિભાવ આપ્યા હતા.

માર્કેટ યાર્ડના ચેરમેન અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

   આ કાર્યક્રમના સ્થળે જ લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાના લાભો મળી રહે તેવા ૧૬ કેમ્પોની વ્યવસ્થા ઉભી કરાઇ હતી. જેવા કે હેલ્થ ચેકઅપ, નિરામય કેમ્પ, એનએસએપી/પિંક કાર્ડ કેમ્પ, લીગલ કેમ્પ, બેંકીગ જાગૃતતા કેમ્પ, પેપ સ્મીયર ટેસ્ટ કેમ્પ, શૈક્ષણિક કેમ્પ, ચૂંટણી કેમ્પ, પોલીસ કેમ્પ, સ્પોર્ટસ કેમ્પ, ખેતીવાડી કેમ્પ, પશુપાલન કેમ્પ,  મહિલા રોજગાર કેમ્પ, ઇ-શ્રમ કાર્ડ અને ઇ નિર્માણ કેમ્પ, ડીઆરડીએ કેમ્પ, કારકિર્દી માર્ગદર્શન તથા અન્ય કોઇ સહાય બાબતનો કેમ્પનો સમાવેશ થયો હતો. જેથી લાભાર્થીઓને એક જ સ્થળેથી વિવિધ યોજનાઓના લાભ મળ્યા હતા.

   ‎આ તકે અગ્રણી પુનિતભાઈ શર્મા, હરેશભાઈ પરસાણા, વિપુલભાઈ કાવાણી, ડેપ્યુટી મેયર  ગીરીશભાઈ કોટેચા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઇ ખટારીયા, કલેકટર રચિત રાજ, મ્યુ.કમિશનર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટરશ્રી આર.જી.જાડેજા, પ્રોગ્રામ ઓફિસર સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેકટર ચાંદની પરમાર,  મનપાના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે,  જિલ્લા પંચાયતના પ્રોગ્રામ

ઓફિસરશ્રી,  સહિતના મહિલા અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા    

- પારૂલ આડેસરા (માહિતી ખાતુ - જુનાગઢ)     

(4:42 pm IST)