Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

નકલી ભાગીદારી ડિડ બનાવી ટંકારાના છત્તર ગામની ફેકટરી વેચી મારી : ૬ સામે ગુન્‍હો નોંધાયો

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૪ : ટંકારા : છતર ગામમાં નકલી ભાગીદારી ડિડ બનાવી ૬ ઈસમોએ ફેકટરી વેચી માર્યાની પોલીસમાં ફરીયાદ થઇ છે.

  વિગતો અનુસાર જામનગરના બાદનપર ગામે રહેતા ભરતભાઈ  પ્રાગજીભાઈ સંતોકીએ આરોપી અજયભાઇ ધનજીભાઇ સંતોકી, આષિશ રમેશભાઈ નંદાસણા, ગોરધનભાઇ છગનભાઇ સંતોકી, દિપકકુમાર ગોરધનભાઈ સંતોકી તથા નવા ભાગીદારી સંગીતાબેન હરિઓમ ગુપ્તા તથા હરિ ઓમ રામુ ગુપ્તા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્‍યું હતું કે, ૨૦૧૩ માં તેમણે અજય સંતોકી અને આશિષ નંદાસણા સાથે મળીને સંયુક્‍ત -પ્રયાસે ટંકારા તાલુકાના છતર ગામે સર્વે નંબર ૬૪ની ૪૨૪૯ ચોરસ મીટર જમીન ખરીદી હતી અને ત્‍યાં ગમ ગુવારની ફેક્‍ટરી ચાલુ કરવાનો વિચાર્યું હતું. જે બાદ તેમણે જમીનની બિનખેતી કરાવી હતી અને તારીખ ૪/૭/૨૦૧૩ ના રોજ ભાગીદારીનું ડીડ ટંકારા મુકામે કરાવ્‍યું હતું અને તેમણે આલ્‍ફા ઇન્‍ડસ્‍ટ્રીઝમાં  નામે ગમ ગુવાર બનાવવાની ફેક્‍ટરી શરૂ કરી હતી જેના ૧૫-૧૬ માસ બાદ તેમણે મશીનરી ફિટ કરાવીને ફેક્‍ટરી ચાલુ કરી હતી. આશરે ત્રણ વર્ષ સુધી ફેક્‍ટરી આ ત્રણેય ભાગીદારોએ ચલાવી હતી પરંતુ મંદીના કારણે ત્રણેયને નુકસાનીનો સામનો કરવો પડ્‍યો હતો જેને પગલે ફેક્‍ટરી બંધ કરીને તેનો વેચાણ કરવાનું ત્રણેય ભાગીદારોએ નક્કી કર્યું હતું.

 આ મુદ્દે ભરતભાઈ સંતોકીની પોલીસ ફરિયાદમાં જણાવ્‍યા અનુસાર તેમને એવી વિગતો મળી હતી કે આ ફેક્‍ટરીનું વેચાણ થઈ ગયું છે જેને પગલે તેમણે મામલતદાર ઓફિસમાં સબ રજીસ્‍ટ્રારની કચેરીમાં આલ્‍ફા ઇન્‍ડસ્‍ટ્રીઝના વેચાણ દસ્‍તાવેજની ચકાસણી કરી હતી. જ્‍યાં તેમના ભાગીદાર અજય સંતોકી ગોરધનભાઈ સંતોકી, દીપ સંતોકી, આશિષ નંદાસણા અને તેમના નામે જમીનનું વેચાણ થયાની માહિતી મળી હતી. જે બાદ ભરતભાઈએ ૭/૧૨ તથા ૮ અ કઢાવી તેમાં ભાગીદારોના નામની ચકાસણી કરી હતી તેમાં પણ ભરતભાઈનું નામ સામેલ હતું. આ દસ્‍તાવેજો પરથી તેમને એવું જાણવા મળ્‍યું હતું કે તેમની જાણ બહાર આલ્‍ફા ઇન્‍ડસ્‍ટ્રીઝનો વેચાણ દસ્‍તાવેજ સંગીતાબેન હરિઓમ ગુપ્તા તથા હરિ ઓમ રામુ ગુપ્તાના નામે કરી આપવામાં આવેલો હતો.

ત્‍યારબાદ ભરતભાઈએ  છતર ગામના ગ્રામ પંચાયતના તલાટી મંત્રી પાસે સાધનિક કાગળોની નકલો મંગાવી હતી જે તલાટી મંત્રી એ તેમને આપી હતી. જે ચકાસતા  તા.૧૫/૨૦૧૮ ના રોજ નવા ભાગીદારી ડીડ બન્‍યાનું સામે આવ્‍યું હતું અને તેમાં આરોપીઓની સાથે ભરતભાઈની સહી પણ કરવામાં આવી હતી. એ સમયે ભરતભાઈને જાણ થઈ કે તેમની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્‍યો છે અને તેમની જાણ બહાર કોઈએ અદલ તેમની જ સહીની નકલ કરીને ફેક્‍ટરી નું વેચાણ કરી તેમની સાથે છેતરપિંડી આંચરી છે.

આ બાબતે તેમને ગત તા ૨૫ ડિસેમ્‍બર ૨૦૨૦ના રોજ ટંકારા પોલીસ ખાતે આ છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જે બાદ ટંકારા પોલીસે હસ્‍તાક્ષર નિષ્‍ણાંત પાસે સંપૂર્ણ દસ્‍તાવેજોને ચકાસણી અર્થે મોકલ્‍યા હતા જ્‍યાં હસ્‍તાક્ષર નિષ્‍ણાંતનો અભિ-ાય ભરતભાઈ ની તરફેણમાં આવતા પોલીસે ૬ ઈસમો વિરુદ્ધ ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૪૬૭,૪૬૮,૪૭૧,૧૧૪,મુજબ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:40 pm IST)