Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

ઝવેરચંદ મેઘાણીના પુત્ર સાહિત્‍યકાર મહેન્‍દ્રભાઇ મેઘાણીનું અવસાન : કાલે પ્રાર્થના સભા

૨૦ જુને ૧૦૦માં વર્ષમાં પ્રવેશ કર્યો'તો : અડધી સદીની વાંચનયાત્રાનો વિરામ : સાહિત્‍ય જગતમાં ભારે શોક : અંતિમયાત્રામાં મોટીસંખ્‍યામાં લોકો જોડાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૪ : રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ગુજરાતી ભાષાના પ્રખર સાહિત્‍યકાર અને ગુજરાતમાં ગ્રંથના ગાંધી તરીકે ઓળખાતા ભાવનગર લોકમિલાપ ટ્રસ્‍ટના શ્રી મહેન્‍દ્રભાઈ મેઘાણીનું ગઈકાલ રાત્રે ભાવનગર ખાતે નિધન થયું છે. આજે ગુરૂવારે સવારે ભાવનગર શહેરના તેમના નિવાસ્‍થાનᅠ ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્‍યામાં લોકો જોડાયા હતા.

શ્રી મહેન્‍દ્રભાઈ ઝવેરચંદ મેઘાણીનું અવસાન ગઈકાલᅠ ᅠરાત્રે ૮ વાગે ભાવનગર ખાતે થયું હતું.ᅠ આ સમાચાર થી સાહિત્‍ય જગતમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

શ્રી મહેન્‍દ્રભાઈ ૨૦મી જૂનેᅠ એકસોમાં વર્ષમાં પ્રવેશ કરેલ હતો.તેઓ ૯૬ વર્ષની ઉંમર સુધી પણ લેખન - વાચનમાં યથાશક્‍તિ વ્‍યસ્‍ત રહ્યા હતા મહેન્‍દ્રભાઈ મેઘાણીનો જન્‍મ તા. ૨૦, જૂન ૧૯૨૩ ના રોજ થયો હતો , તેઓ ૯૯ વર્ષ પૂર્ણ કરી ૧૦૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો , તેમનો જીવનમંત્ર હતો સારું કામ કરવું અને લોકોની વચ્‍ચે જ રહી લોક મિલાપ કરવો, તેઓ શરૂઆતમાં ઝવેરચંદ મેઘાણીના પુસ્‍તકોનો ગામો ગામ જઈ પુસ્‍તકોનું વાંચન કરતા હતા, તેમણે ૨૬ જાન્‍યુઆરી ૧૯૫૦ના દિવસે લોક મિલાપ ટ્રસ્‍ટની સ્‍થાપના મુંબઈ ખાતે કરી હતી અને ૧૯૭૮ની સાલમાં બંધ થયું હતું, ‘લોકમિલાપ'ના સ્‍થાપક સંપાદક મહેન્‍દ્ર મેઘાણી ગુજરાતમાં ‘ગ્રંથના ગાંધી' બિરૂદ પામ્‍યા હતા અને ૯૬ વર્ષની ઉંમર સુધી પણ લેખન - વાચનમાં યથાશક્‍તિ વ્‍યસ્‍ત રહ્યા હતા . પોણી સદીથી મહેન્‍દ્ર મેઘાણીએ પુસ્‍તકો તેમજ સામયિકોનાં લખાણોનાં સંક્ષેપ, સંકલન, સંપાદન, પ્રકાશન, પ્રદર્શન અને નીવડેલા સાહિત્‍યનાં સમૂહવાચન થકી વાચન પ્રસારનું કામ કર્યું હતું .

ઝવેરચંદ મેધાણીનો સાહિત્‍ય વારસો મહેન્‍દ્ર મેઘાણીએ જાળવી રાખ્‍યો હતો ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્‍દ્ર મેઘાણીનું ૧૦૦ વર્ષની વયે નિધન થતા ભાવનગર શહેરમાં શોકનું મોજું ફરી વળ્‍યું હતું, ૨૦ જૂન, ૧૯૨૩ના રોજ મુંબઇ જન્‍મેલા મહેન્‍દ્ર મેઘાણીએ ગત તા. ૨૦ જુન ૨૦૨૨ ના રોજ ૯૯ વર્ષ પૂર્ણ કરી ૧૦૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો, ગુજરાતી સાહિત્‍ય જગતને આજે કદી ન પૂરાય એવી ખોટ પડી છે. કસુંબલ ગાયક અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીનો સાહિત્‍ય વારસો મહેન્‍દ્ર મેઘાણીએ જાળવી રાખ્‍યો હતો. તેમણે લખેલી અડધી સદીની વાચનયાત્રા અને મિલાપમાં સાહિત્‍ય રસ ઝરતો હતો. કહી શકાય કે હવે અડધી સદીની વાચનયાત્રાનો ‘વિરામ' થયો છે.

મહેન્‍દ્રભાઈના અવસાનથી ગુજરાતી એક પ્રખર સાહિત્‍યકાર ગુમાવ્‍યો છે. સાહિત્‍યજગતમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

હરતી ફરતી વિદ્યાપીઠના

નામે ઓળખાતા

મહેન્‍દ્ર મેઘાણીને ગુજરાતી સાહિત્‍ય ઉપરાંત વિશ્વ સાહિત્‍યમાં સારી પકડ હતી. સેવન યર્સ ઈન તિબેટ, કોન ટીકી વગેરે વિશ્વ સાહિત્‍યના ઉત્તમોત્તમ પુસ્‍તકો તેમણે અત્‍યંત રસાળ ગુજરાતીમાં અનુવાદિત કરીને ગુજરાતી વાચકોને આપ્‍યા છે. ગુજરાતી સાહિત્‍યકાર ઝવેરચંદ મેઘાણીના ચિરંજીવી મહેન્‍દ્રભાઈ ગુજરાતનાં ઘર ઘરમાં સારું વાંચન પહોંચે તે માટે અવિરત કાર્યરત રહ્યા છે. તેમણે ‘નહીં વીસરાતાં કાવ્‍યો'નામનું પુસ્‍તક સંપાદિત કર્યું. તેમાં ‘અવારનવાર સંભારવાનું મન થાય તેવાં, સો કવિઓનાં સો કાવ્‍યો'તેમણે મૂક્‍યાં છે. ᅠતે પહેલાંનાં વર્ષમાં ‘આપણાં સંતાનો', ‘આપણી ધાર્મિકતા', ‘આપણો ઘરસંસાર' અને ‘આપણાં બા' નામનાં પુસ્‍તકો તેમણે તૈયાર કર્યાં. તેમાં અનેક લેખકોનાં ચૂટેલાં લખાણો વાંચવા મળે છે.ᅠ

મહેન્‍દ્રભાઈએ તૈયાર કરેલાં લગભગ બધાં એટલે કે સો કરતાં વધુ પુસ્‍તકો આ પ્રકારનાં છે. મહેન્‍દ્રભાઈ અન્‍ય સામયિકો કે પુસ્‍તકોમાં વાંચવાં મળેલાં ઉત્તમ લખાણોને ટૂંકાવીને નજીવી કિંમતે પ્રસિદ્ધ કરીને લોકો સુધી પહોંચાડ્‍યા છે. ઉત્તમ, આનંદદાયી, સંસ્‍કારક્ષમ, વૈવિધ્‍યપૂર્ણ અને સારા માણસનું ઘડતર કરે તેવું વાચન બહુ ઓછા દરે મળતું રહે તે માટે મહેન્‍દ્રભાઈએ ભાવનગરમાં ૧૯૬૮માં શરૂ કરેલાં ‘લોકમિલાપ' પ્રકાશન થકી સતત પુસ્‍તકો બહાર પાડ્‍યાં.

ઝવેરચંદ મેઘાણીના ૯૦મી જન્‍મજયંતિના વર્ષ ૧૯૮૬ માં તેમણે ૯૦ ગામની ૯૦ દિવસની વાચનયાત્રા કરી હતી. ‘અડધી સદીની વાચનયાત્રા' નામનાં સાહિત્‍ય સંકલનના પાંચ ભાગમાં મહેન્‍દ્ર મેઘાણીએ ૨૧ સદીમાં ખૂબ નામના મેળવી હતી.

આ દેશના સાધારણ પુસ્‍તકપ્રેમી પાસે પુસ્‍તક વાંચવા માટે સમય ઓછો હોય છે એટલે પુસ્‍તકનાં લખાણ ટૂંકાં અને પાનાં ઓછાં, પુસ્‍તક મૂકવા માટે જગ્‍યા ઓછી હોય છે એટલે પુસ્‍તકનું કદ નાનું, અને પુસ્‍તક ખરીદવા માટે પૈસા ઓછા હોય છે એટલે પુસ્‍તકની કિંમત ખૂબ ઓછી. આ મુજબ લોકમિલાપે ૧૦૦ કરતાં વધુ પુસ્‍તકો બહાર પાડ્‍યાં.ᅠ

‘બુક અને બઙ્ઘલેટ'થી ક્રાંતિ લાવવાનું સપનું જોનારા મહેન્‍દ્રભાઈએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ‘સૌને માટે રાજકારણનું સામાન્‍ય જ્ઞાન'એવી સોળ પાનાંની ખિસ્‍સાપોથી ‘લોકશાહીના ચાહકો તરફથી લોકહિતાર્થે વિનામૂલ્‍યે' બહાર પાડી હતી. તેમાં ડેમોક્રસીનો સૈકાઓનો અનુભવ ધરાવતા બ્રિટન અને અમેરિકાના ‘શાણા નરનારીઓએ લોકશાહી સમાજને માર્ગદર્શક એવા કેટલાક વિચારો' મૂક્‍યા છે. ૨૦૧૪માં થયેલી લોકસભાની ચૂંટણીમાં પણ તેમણે ભાવિ સંસદસભ્‍યો સંસદમાં ગેરવર્તણૂક ન કરે તેવી લેખિત બાંહેધરી મતદારોએ ઉમેદવારો પાસેથી લેવી જોઈએ તે માટેની ઝુંબેશ ચલાવવાની કોશિશ કરી હતી.

પિતા ઝવેરચંદ મેઘાણીની રચનાઓના ઉપયોગની રોયલ્‍ટી માટે લેખકના ગૌરવના મુદ્દે આકાશવાણી સામે લડ્‍યા હતા. મહેન્‍દ્રભાઈએ ‘મિલાપ'નામનું ઉત્તમ વાચનસામગ્રી સાથેનું સંકલન સામયિક ૧૯૫૦ થી ૨૮ વર્ષ સુધી ચલાવ્‍યું હતું. તેના પ્રકાશક-સંપાદક તરીકે મહેન્‍દ્રભાઈ ઇન્‍દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન સેન્‍સરશીપ સામે લડ્‍યા હતા.

ભાવનગરમાં પુસ્‍તકની લારી લઈને બજારમાં ઊભા રહેતા હતા. દેશવિદેશમાં પુસ્‍તક મેળા કરતા હતા. એક સમયે તેમણે આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ નિમિત્તે પુસ્‍તકપ્રદર્શન માટે અમેરિકા અને યુરોપ જવાનું હતું. વિમાનની ટિકિટ પોષાય એવી ન હતી, એટલે લોકમિલાપે એર ઇન્‍ડિયાને સૂચન કર્યું કે તમે અમારી પાસેથી બાળકોનાં પુસ્‍તકો ખરીદો, તમારી દુનિયાભરની ઓફિસો તેમ જ મુસાફરોને આપો, અમને એ પુસ્‍તકો માટે પૈસા નહીં પણ એટલી કિંમતની ટિકિટ આપો.(૨૧.૯)

મહેન્‍દ્રભાઇ મેઘાણીએ સાહિત્‍યની પ્રત્‍યેક વિદ્યાની સેવા કરી'તી : પૂ. મોરારીબાપુ

રાજકોટ તા. ૪ : ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્‍દ્રભાઇ મેઘાણીનું અવસાન થતા સાહિત્‍ય જગતમાં શોક છવાઇ ગયો છે ત્‍યારે પૂ. મોરારીબાપુએ મહેન્‍દ્રભાઇ મેઘાણીને શબ્‍દાંજલી પાઠવી છે. જે અક્ષરશઃ નીચે મુજબ છે.

(11:32 am IST)