Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ભુજ સેવા સેતુ કાર્યક્રમનો વોર્ડ નં.૭ અને ૮ના નાગરીકોએ મોટી સંખ્યામાં લાભ લીધો

સેવાસેતુના કાર્યક્રમ થકી લોકોને એક જ સ્થળે વિવિધ સેવા મળતા કચેરીઓના ધક્કા બંધ થયા : નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર

 

ભુજ : સરકારની વિવિધ ૫૬ પ્રકારની સેવાઓ નાગરિકોને એક જ સ્થળે મળી રહે તે માટે ભુજ ટાઉનહોલ ખાતે શહેરી તબક્કો- ૮ના બીજા ચરણનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. વોર્ડ નં. ૭ અને ૮ના યોજાયેલા આ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો. સેવાસેતુના કાર્યક્રમ થકી એક જ સ્થળે વિવિધ સેવા મળતા લોકોને કચેરીના ધક્કા બંધ થયા છે તેવું દિપ પ્રાગટ્ય કરતા નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કરે જણાવ્યું હતું.

  આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખએ જણાવ્યું હતું કે, ૧૫ વિભાગોની ૫૬ સેવા એક જ સ્થળે નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. જેના કારણે લોકોને કચેરી- કચેરીએ ખાવા પડતા ધક્કાથી રાહત થઈ છે. અરજદારોની વ્યક્તિગત અરજીઓનો સ્થળ પર જ વિવિધ કચેરીઓ દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો હોવાથી લાભાર્થીઓના સમય અને ખર્ચની બચત થઈ રહી છે. આ તકે તેમણે લાભાર્થીઓને સરકારની વધુમાં વધુમાં યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આયુષ્યમાન કાર્ડ જેવી યોજનાની ઉપયોગીતા અંગે તેમણે લોકોને માહિતી આપી હતી. સેવાસેતુ કાર્યક્રમમાં ૧૫ વિભાગની આધારકાર્ડ, હેલ્થ વેલનેશ કાર્ડ, નવા વીજ જોડાણ, ગુમાસ્તાધારા, રાશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, વિધવા સહાય, જન્મ- મરણના દાખલા, આવકનો દાખલો, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, અટલ પેન્શન યોજના, કુંવરબાઇનું મામેરૂ સહાય યોજના સહિતની વિવિધ સેવાનો લાભાર્થીઓએ લાભ લીધો હતો. તમામ ૮૯ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

 કાર્યક્રમમાં સંબંધિત વોર્ડના નગરસેવક સાવિત્રીબેન જાટ,મનીષાબેન સોલંકી, નાયબ મામલતદાર પ્રકાશ રાઠોડ, મહેન્દ્રભાઈ પલણ, અમિતભાઈ યાદવ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. ઉપરાંત આ કાર્યક્રમમાં હેડ ક્લાર્ક હિતેન્દ્રસિંહ જાડેજા, જયંતભાઈ લીંબાચીયા અને એનયુએલએમ શાખાના મેનેજર કિશોરભાઈ શેખા ઉપસ્થિત રહ્યા હતા.

(1:10 am IST)