Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ખેડૂતે કંપનીના ટ્રાન્સફોર્મર તોડી નાખતા વીજ પુરવઠો ખોરવાયો

કંપની સાથે ખેડૂતનો જમીનની માલિકીને લઈ વિવાદ હતો : વિન્ડવવર્લ્ડ અને ખેડૂત વચ્ચેનો ઝઘડો કોર્ટમાં : ટાટા વિસ્તારના ૧૫,૦૦૦ ઘરોને વીજ પુરવઠો પૂરો પાડે છે

જામનગર, તા.૪ : વીજ કંપની માટે જામનગર જિલ્લાના એક નાનકડા ગામનો ખેડૂતમાં ડોન ક્વિક્સોટ સમાન બન્યો છે અને તેના કારણે કંપની ગુજરાત હાઈકોર્ટમાં દોડી ગઈ છે. કંપનીના દાવા મુજબ આ ખેડૂત કોઈપણ ભોગે તેની પવનચક્કીનો નાશ કરવા આતુર છે. આ કિસ્સો જામજોધપુર તાલુકાના એક નાના ગામનો છે, જ્યાં ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિ.ની ૬૪ પવનચક્કીઓ છે. આમાંથી કેટલાક પવનચક્કી વિન્ડવર્લ્ડ ઈન્ડિયા લિમિટેડ  દ્વારા સંચાલિત છે. જોકે ૨૦૦૮ થી જ્યારે જિલ્લા કલેક્ટરની મંજૂરી સાથે પવનચક્કી સ્થાપિત કરવામાં આવી ત્યારથી જ એક સ્થાનિક ખેડૂત રાજા જાદવ અને તેના પિતા સાથે કંપનીને જમીનની માલિકી અંગે વિવાદ ચાલી રહ્યો હતો.

જે જમીન પર પવનચક્કી ઊભી છે તેની માલિકી અંગેનો વિવાદ જામજોધપુરની સિવિલ કોર્ટમાં પેન્ડિંગ છે. ૨૯ માર્ચે, સિવિલ કોર્ટે વિન્ડવર્લ્ડ અને તેના કર્મચારીઓ અને એજન્ટોને આ જમીનમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, કારણ કે ખેડૂતે કોર્ટમાં ફરિયાદ કરતા કહ્યું કે કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવા છતા કંપનીએ તેની જમીન પર પવનચક્કીની આસપાસ અનેક ઈલેક્ટ્રીક થાંભલાઓ ઉભા કરી દીધા છે. જેથી ખેડૂતે કંપનીને આ જમીનમાં પ્રવેશ અંગે પ્રતિબંધક આદેશની માંગણી કરી હતી. ખેડૂતે જણાવ્યું કે એક પવનચક્કી પડી ગયા પછી કંપનીએ તેને પુનઃસ્થાપિત કરવા માટે વિવિધ વાહનો અને સાધનો સાથે માણસોને મોકલ્યા હતા જેના કારણે તેના ઉભા પાકને નુકસાન થયું હતું.

તો બીજી તરફ ૨૪ એપ્રિલના રોજ વિન્ડવર્લ્ડ સિક્યુરિટી ગાર્ડે કેબલ ચોરી કરવા અને પાવર સપ્લાય ચેઇનને નુકસાન પહોંચાડવા બદલ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ સ્થાનિક પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી. તેવામાં વિન્ડવર્લ્ડ અને ખેડૂત વચ્ચેનો આ ઝઘડો ટાટાને હાઈકોર્ટમાં લઈ ગયો. કંપનીએ બે વાર તાત્કાલિક સુનાવણી માટે એચસીને વિનંતી કરી હતી. આ સાથે કંપનીએ જણાવ્યું હતું કે પોતે આ વિવાદમાં પક્ષકાર ન હોવા છતાં આ વિસ્તારના ૧૫,૦૦૦ ઘરોને તેઓ વીજ પુરવઠો પૂરો પાડે છે જે આ વિવાદને કારણે ખોરવાઈ ગયો છે કારણ કે ખેડૂત, જે જમીનની માલિકીનો દાવો કરે છે તેણે ટ્રાન્સફોર્મર તોડી નાખ્યા છે અને કેબલની ચોરી માટે તેના વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. જોકે હાઈકોર્ટની વેકેશન બેન્ચ આ પહેલા ટાટા કંપનીની તાત્કાલિક સુનાવણીની અરજીને નકારી કાઢી હતી. જે બાદ આખરે સોમવારે આ કેસની સુનાવણી થશે.

 

(7:43 pm IST)