Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ભાવનગરનો એક વ્‍યક્‍તિ પોતાના અલગ અંદાજ અને આવડતને કારણે આકર્ષણનુ કેન્‍દ્ર બન્‍યો : ચા બનાવવાની આ અનોખી રીત તમે ક્‍યાંય નહિં જોઇ હોય !

ચાના ગરમ તપેલાને માથેનાં ભાગેથી ઉઘાળા હાથે પકડી અને કરાઓકે પર અવનવા ગીતો ગાતા ચાવાળાને પહેલીવાર જોતા જ ભલભલાનાં થોડીવાર થંભી જાય છે શ્વાસ

ભાવનગર : લોકો પોતાના દિવસની શરૂઆત ચાની ચુસ્‍ક્‍ી મારી કરતા હોય છે. પરંતુ ભાવનગરમાં આનાથી સાઉ વિપરીત છે. અહિંનાં લોકો તેમનો દિવસનો અંત ચાની ચુસ્‍ક્‍ી સાથે કરે છે! ભાવનગરનાં નારી ચોકડી પાસે આવેલ એક હોટલનો ચા બનાવવાવાળો આકાર્ષણનુ કેન્‍દ્ર બન્‍યો છે. આ વ્‍યક્‍તિ રાત્રે 10 થી સવાર સુધી ચા વેચે છે. પરંતુ આનો ચા બનાવવાનો અંદાજ અને તેનો મધુર સુર સાંભળવા લોકોની લાંબી લાઈનો લાગે છે.

ભાવનગર શહેરના નારી ચોકડી પાસે આવેલી એક હોટલમાં ચા બનાવતો એક વ્યક્તિ પોતાના અલગ અંદાજ અને આવડતથી લોકોમાં આકર્ષણ જમાવી ચા સાથે મનોરંજન પણ પૂરું પાડી રહ્યો છે. પોતાના અલગ અંદાજમાં તે ઉકળતી ચા ની તપેલી ને સીધી હાથેથી પકડી સાથે કરાઓકે પર અવનવા જૂના ગીતો ગાતા ગાતા ચા બનાવે છે. એક હાથમાં માઈક અને બીજા હાથમાં ઉકળતી ચાની તપેલીમાથી ચા ઉછાળતી જોઈ લોકો તેને જોતા જ રહી જાય છે. ચાયવાલાની આ સ્ટાઈલને જોવા અને ચા પીવા દૂર દૂર થી લોકો અહીં આવતા હોય છે.

લોકો પોતાના દિવસની શરૂઆત ચાની ચુસ્કીથી કરતા હોય છે. ઘણા લોકો એવા હોય છે જેઓ દિવસ દરમિયાન વારંવાર ચાનો આનંદ માણે છે. આજકાલ દરેક વ્યવસાયમાં સ્પર્ધા ઘણી વધી ગઈ છે, તેથી લોકો તેમના વ્યવસાયને પ્રમોટ કરવાનો પ્રયાસ કરે છે. અને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે ઘણા અવનવા નુસ્ખાઓ અપનાવતા હોય છે, અને જેમાં તેઓ સફળ પણ થાય છે. ભાવનગર શહેરની નારી ચોકડી પર આવેલી એક રેસ્ટોરન્ટમાં સંજીવ સિંહા નામનો વ્યક્તિ રાત્રે 10 વાગ્યાથી સવાર સુધી ચા વેચે છે. પણ તે એવા અંદાજમાં ચા બનાવે છે, જેને જોવા અને તેના હાથે બનેલી ચા પીવા લોકોની લાઈન લાગે છે.

મૂળ ઝારખંડ રાજ્યમાં જન્મેલા સંજીવ સિંહાએ ગુજરાતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે, જે છેલ્લા 40 વર્ષથી ચા બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે, અને છેલ્લા કેટલાક વર્ષોથી તેમણે પોતાનો ચાનો વ્યવસાય વધારવા માટે એક અલગ રસ્તો પસંદ કર્યો છે. જેમાં તેઓ ચા બનાવવા સાથે જૂની હિન્દી ફિલ્મોના ગીતો ગાઈ લોકોને મનોરંજન પણ પૂરું પાડે છે. રાત્રે 10 વાગ્યે તેમનુ ચા બનાવવાનુ રુટિન શરૂ થઈ જાય છે. તેમના આગમન સાથે જ લોકોનો ધસારો પણ ધીમે ધીમે વધતો જાય છે, કારણ કે, જ્યારે ચા બનતી હોય ત્યારે તે ગરમ ચાની તપેલીને ચીપિયા કે અન્ય કોઈ વસ્તુ વગર નહિ, પરંતુ ગરમ તપેલીને હાથથી ઉપાડે છે.

તેઓ જ્યારે સાણસીથી તપેલી પકડી ઉકળતી ચાને હવામાં ઉછાળે છે તો બે ઘડી લોકોના શ્વાસ થંભી જાય છે. સંજીવની આ સ્ટાઈલને જોવા માટે આખી રાત ગ્રાહકોની ભીડ જોવા મળે છે. અમુક લોકો તો સંજીવની ચા અને ગીતો સાંભળ્યા વિના રાત્રે સૂઈ શકતા નથી અને કલાક-બે કલાક અહીં આવીને ચા સાથે મનોરંજન માણે છે.

સંજીવને 1970 પછીની તમામ ફિલ્મોના ગીતો કંઠસ્થ છે. કરાઓકે એપ્લિકેશનથી પોતાના અવાજમાં ગીતો ગાઈ સંભળાવે છે અને લોકો તેને જોતા રહી જાય છે અને ચાની ચૂસકી લઈને રાતનો આનંદ માણે છે. સંજયના હાથે ગેસ પર ઉકળતી ચાની ગરમ તપેલી ઉંચી કરવી, ફરતી કરવી, ગરમ ચા હવામાં ઉછાળવી, આ બધા પરાક્રમો જોવા માટે ગ્રાહકો બીજે ક્યાંય ન જતાં, આજુબાજુમાં આવેલી ચાની દુકાનોમાં ગ્રાહકો જોવા નથી મળતા.

(5:19 pm IST)