Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

માળીયા-મિયાણા પાસે એસટી બસમાંથી આંગડીયા પેઢીના ૬ર.પ૦ લાખની રોકડ સાથેના થેલાની ઉઠાંતરી

રાપર રાજકોટની એસટી બસ માળીયા હાઇવે ઉપર આવેલ હોટલ પાસે ઉભી રહી ત્‍યારે કર્મચારી મહાદેવભાઇ વાઘમારે રોકડ સાથેનો થેલો મુકી ટોઇલેટ કરવા ગયો એ દરમિયાન કોઇ અજાણ્‍યો શખ્‍સ રોકડ સાથેનો થેલો લઇ છૂઃ જીલ્લાભરમાં નાકાબંધી

રાજકોટ, તા., ૪: માળીયા મિયાણા પાસે આજે સવારે એસટી બસમાંથી આંગડીયા પેઢીના કર્મચારીના ૬ર.પ૦ લાખના રોકડ સાથેની થેલાની ઉઠાંતરી થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ બનાવના પગલે જીલ્લાભરમાં નાકાબંધીના આદેશો અપાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા નેશનલ હાઇવે ઉપર માધવ હોટલ પાસે રાપર-રાજકોટની એસટી બસ ઉભી રહી હતી ત્‍યારે એસટી બસમાં બેઠેલા ઇશ્વરલાલ બેચરલાલ પટેલ આંગડીયા પેઢીના કર્મચારી મહાદેવભાઇ રામભાઇ વાઘમોરે (ઉ.વ.૪૭) (રહે. રાપર) આંગડીયા પેઢીની ૬ર.પ૦ લાખની રોકડ સાથેનો થેલો બસમાં રેઢો મુકી ટોઇલેટ કરવા ઉતર્યા હતા અને પાછા બસમાં આવ્‍યા ત્‍યારે રોકડ સાથેનો થેલો ગૂમ હોય હાંફળા-ફાંફળા  થઇ ગયા હતા અને આ અંગે એસટી ડ્રાઇવર તથા કંડકટરને જાણ કરતા પોલીસને જાણ કરાઇ હતી.

બનાવની જાણ થતા માળીયા-મિયાણાના પોલીસ કાફલો તથા મોરબી એલસીબી અને એસઓજીનો કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો હતો.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ આંગડીયા પેઢીના કર્મચારી મહાદેવભાઇ વાઘમોરે ૬ર.પ૦ લાખની રોકડનો કાલા કલરનો થેલો લઇ રાપરથી બેઠેલા હતા અને આ રોકડ રકમ સાથેનો થેલો મોરબી ઇશ્વરલાલ બેચરલાલ પટેલ આંગડીયા પેઢીમાં આપવાનો હતો. પરંતુ તે પુર્વે માળીયા હાઇવે પર માધવ હોટલ પાસે એસટી બસ ઉભી રહી ત્‍યારે કોઇ અજાણ્‍યો શખ્‍સ આ રોકડ રકમ સાથેના થેલાની ચોરી કરી નાસી ગયો હતો.  આ બનાવના પગલે મોરબી તથા આસપાસના જીલ્લામાં પોલીસે નાકાબંધી કરી હતી અને ૬ર.પ૦ લાખના રોકડ સાથેના થેલાની ચોરી કરનાર અજાણયા શખ્‍સની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

(1:43 pm IST)