Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

જેતપુરમાં બરફના ગોલાની દુકાનેથી ડિશ ખાતા આઠ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર

 (કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા.૪ : કાળઝાળ ઉનાળાની મૌસમમાં લોકો ઠંડા પીણાં, શેરડીનો રસ, લીંબુ શરબત, બરફના ગોલા વગેરેથી ગરમીમાં રાહત મેળવવાની કોશિષ કરતા હોય છે.

અને આ આઇટમોનો વેપાર કરતા વેપારીઓ, ફેરીયાઓ ઉનાળાના ચાર મહિનાની સીઝનમાં આખા વર્ષની કમાણી કરી લેતા હોય છે. વેપારીઓ વેપાર કરી કમાણી કરે છે પરંતુ ઘણા વેપારીઓ લોકોના આરોગ્‍ય સાથે ચેડા થાય તેવી હલકી ગુણવત્તાનો કે વાસી માલ વાપરતા હોય છે. જેમાં બરફના ગોલાની ડિશમાં માવા, મલાઈ, ડ્રાયફૂટમાં મિલાવટ કરવામાં આવતી હોય છે. ૫૦ રૂપિયાથી માંડીને ૫૦૦ રૂપિયા સુધીનો ભાવ હોવા છતાં લોભવળત્તિના વેપારીઓ ભેળસેળ કરતા જ હોય છે.

      શહેરમાં પણ આવા ભેળસેળવાળા બરફના ગોલાંની ડિશ ખાતા અમર નગર રોડ વિસ્‍તારમાં રહેતા રાજેશભાઇ દુધાત્રાના પરીવારને તેમજ તેમના મહેમાનને ફૂડ પોઇઝનિંગ થઈ ગયું હતું. અંગે રાજેશભાઇએ જણાવેલ કે, આજ વિસ્‍તારમાં આવેલ એક બરફના ગોલાંની રેકડી કમ દુકાનેથી તેમણે માવા મલાઈ ફ્‌લેવરની ગોલાંની આઠથી દસ જેટલી ડિશ પોતાના પરીવાર તેમજ આવેલ મહેમાનો માટે ખરીદી હતી. જે ખાધા બાદ તમામને ફૂડ પોઈઝનિંગની ઝાડા ઉલટી  થવા લાગતા તમામ સરકારી હોસ્‍પીટલે દવા લેવા જવી પડી હતી.  આમ, આ બરફના ગોલાના વેપારીએ વાસી માવા મલાઈ ઉપયોગ કરવાંને કારણે આઠ વ્‍યક્‍તિને હોસ્‍પીટલે જવાનો વારો આવ્‍યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે શહેર માં  કોઈ ભેળસેળ માટે કાર્યવાહી કરવામાં આવી નથી  બીજા શહેરોમાં ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગ નું ચેકીંગ ચાલુ હોય છે જે મુજબ અહી પણ ચેકીંગ થવું જોઈ.

(1:35 pm IST)