Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ખારચીયા પાસે કાર પલ્‍ટી રોડ નીચે ઉતરી જતાં મુંદ્રાના સુકન્‍યાબેન ગાલાનું મોતઃ અન્‍ય પાંચ લોકોનો બચાવ

બે સંતાનનું વેકેશન પુરું થતાં પરિચીત સુનિલભાઇ છેડાની કારમાં સોનગઢ બોર્ડિંગ સ્‍કૂલમાં મુકવા જઇ રહ્યા હતાં: મુળ મુંબઇના વતનીઃ સુનિલભાઇના બાળકો પણ સાથે હતાં

રાજકોટ તા. ૪: ખારચીયા નજીક કાર પલ્‍ટી ખાઇ રોડ નીચે ઉતરી જતાં મુળ મુંબઇના હાલ કચ્‍છના મુંદ્રાના બારાઇ ખાતે આવેલા સુકન્‍યાબેન રમેશભાઇ ગાલા (ઉ.વ.૫૦)નું ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું. જ્‍યારે સાથેના લોકોનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો.
જાણવા મળ્‍યા મુજબ મુંદ્રાના બારાઇમાં રહેતાં સુકન્‍યાબેન રમેશભાઇ ગાલા (ઉ.૫૦) ગઇકાલે સાંજે પાંચેક વાગ્‍યે સગા સુનિલભાઇ માવજીભાઇ છેડાની હોન્‍ડા સીટી કારમાં બેસીને પોતાના બાળકો યશ અને ક્રિષ્‍નાને સોનગઢ બોર્ડિંગ સ્‍કૂલમાં મુકવા માટે જઇ રહ્યા હતાં ત્‍યારે સરધારના ખારચીયા નજીક ઉબડ ખાબડ રસ્‍તાને કારણે કાર ઉછળીને રોડ સાઇડમાં ખાબકતાં સુકન્‍યાબેનને ગંભીર ઇજા થતાં આટકોટ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમણે દમ તોડી દીધો હતો.
સુકન્‍યાબેનના પતિ હયાત નથી. તેમના બાળકો સોનગઢ ભણતાં હોઇ હાલમાં તેઓ વતન મુંદ્રા ખાતે બાળકો સાથે આવ્‍યા હતાં. વેકેશન પુરુ થયું હોઇ સંતાનોને બોર્ડિંગ સ્‍કૂલમાં મુકવા જઇ રહ્યા હતાં. કારમાં સુનિલભાઇ ઉપરાંત સુકન્‍યાબેન, તેમના બે બાળકો અને સુનિલભાઇના બે સંતાન પણ હતાં. આ બધાનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો.

 

(11:16 am IST)