Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

સમાજના વિકાસ માટે મહિલાની તમામ ક્ષેત્રે સહભાગિતા જરૂરી છે : વિધાનસભાના અધ્યક્ષશ્રી નિમાબેન આચાર્ય

રાજકોટની રાષ્ટ્રીય શાળા ખાતે ગૃહલક્ષ્મી નારી શક્તિ સન્માન સમારંભ યોજાયો

(વિનોદ ગાલા દ્વારા)તા.૪

ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને

શ્રી રાજકોટ શહેર મહિલા ગૃહ ઉધોગ સહકારી મંડળીના ઉપક્રમે રાષ્ટ્રીય શાળાના પ્રાર્થના હોલમાં "ગૃહલક્ષ્મી નારી શકિત સન્માન સમારંભ" યોજાયો હતો.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીએ સ્થાપિત કરેલ રાષ્ટ્રીય શાળામાં ૪૦ વર્ષ પૂર્ણ કરનાર સંસ્થાની કર્મનિષ્ઠ મહિલાઓનું સન્માન કરીને હું ગૌરવ અનુભવું છું. મહિલાઓ ઘર-પરિવાર સંભાળવા ઉપરાંત ઘરબેઠાં પણ કોઈ આર્થિક ઉપર્જન કરે તે જરૂરી છે.  પોતાના સમયનો સદુપયોગ કરવો જોઈએ.  મહિલાઓ પગભર હશે તો આપોઆપ તેનું સન્માન વધશે. આપણે એ સ્વીકારવું જોઈએ કે ભાઈઓના સહકારથી જ બહેનો આગળ વધી છે, વધી રહી છે. માટે ભાઈઓ માટે પણ સન્માન હોવું જોઈએ. સંસ્થા દ્વારા વર્ષોથી સેવા કરતી બહેનોને બિરદાવી સન્માનિત કરાયા છે. તે અનેક લોકોને પ્રેરણા આપશે. 

નિમાબહેને વધુમાં ઉમેર્યું હતું કે કોઈ પણ સમાજની પ્રગતિ મહિલા દ્વારા થાય છે.  સરકાર દ્વારા મને મહિલાને સ્પીકર જેવો મોટો હોદ્દો આપી માત્ર મને સન્માન જ નથી અપાયું  પણ વિશ્વાસ પણ મૂકયો છે. 

મહિલાને તક મળે તો તે ધારે તે કરી શકે છે. મહિલા સેવા, સમર્પણ, ત્યાગની મૂર્તિ છે. સમાજના વિકાસ માટે મહિલાની તમામ ક્ષેત્રે સહભાગિતા જરૂરી છે. મહિલાઓએ ભણતરની સાથે ગણતર ને સ્વરક્ષણ તાલીમની પણ કેળવણી લેવી જોઇએ.

વિધાનસભાનાં અધ્યષ નિમાબેનના વરદ હસ્તે ‌મંડળીના ૨૫ વર્ષ સુધી સેવા આપી નિવૃત્ત થતા, પ્રમુખ ઉષાબેન કનુભાઈ ચૌહાણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં ૭૨ ના નિવૃત્ત આચાર્ય અને મંડળીના ઉપપ્રમુખ રીટા બેન કુબાવત સહિત મંડળીના સાત અગણી બહેનોનુ સન્માન કરાયું હતું. 

કાર્યક્રમનું સંચાલન શ્રી જસુમતીબેન વસાણી એ કર્યું હતું. સ્વાગત પ્રવચન પ્રમુખશ્રી મધુરિકાબેન જાડેજાએ કર્યું હતું. પ્રાસંગીક પ્રવચન મંડળીના સલાહકારશ્રી  યશવંતભાઈ જનાણીએ કર્યું હતું.

આ પ્રસંગે ડે.મેયરશ્રી ડૉ. દશિતાબેન શાહ, સંસ્થાના ઉપપ્રમુખ નયનાબેન પેઢડિયા, સહિતના મહાનુભાવો તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(9:42 am IST)