Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

આમા ક્યાંથી ભણે બાળકો !!? મોરબી જિલ્લાની ૫૨ શાળાના ૧૯૭ ઓરડા જર્જરિત

અનેક ગામોમાં શાળાના બાળકો પાળી પદ્ધતિ અને પંચાયત ઘરમાં બેસી કરે છે અભ્યાસ

 મોરબીને સરકારી મેડિકલ કોલેજ મળે તે માટે હવાતિયાં કરનાર રાજકીય પક્ષો સરકારી પ્રાથમિક શિક્ષણની વરવી પરિસ્થિતિ વિશે ક્યારેય આવાજ ઉઠાવતા નથી. ગુણોત્સવ અને પ્રવેશોત્સવના તાયફા વચ્ચે આજે પણ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષણની હાલત કંગાળ છે. મોરબી જિલ્લામાં આજેય પણ ઘણી શાળાઓમાં બાળકો માટે વર્ગખંડ ભણવાલાયક નથી. જેમાં મોરબી જિલ્લાની ૫૨ શાળાના ૧૯૭ ઓરડા જર્જરિત છે. આવા સંજોગોમાં બાળકો કેવી રીતે ભણી શકે તે મોટી વિડબંના છે.

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસેથી જિલ્લાની શાળાઓની હાલત વિશે મળેલી સતાવાર માહિતી મુજબ મોરબી જિલ્લાની ૫૨ સરકારી શાળાઓ ડેમેજ થઈ ચૂકી છે અને જિલ્લાની આ તે પ્રાથમિક શાળાના ૧૯૭ વર્ગખંડ જર્જરિત છે. જેમાં તાલુકા વાઇઝ સ્થિતિ જોઈએ તો માળીયાની ૯ શાળાના ૨૩ રૂમ, મોરબીની ૧૦ શાળાના ૪૦ રૂમ,વાંકાનેરની ૧૩ શાળાના ૫૩ રૂમ, હળવદની ૨૦ શાળાન ૮૧ રૂમ ખંડિત છે. એટલે આવી શાળાઓ બાળકો માટે જોખમી છે. ભણતર સમયે વર્ગખંડમાં પોપડા ખરે તો દુર્ઘટના બને તેવી દહેશત છે. જિલ્લાની સાત સરકારી પ્રાથમિક શાળાની દશા સાવ ખરાબ છે. આ ભારે જર્જરિત સાત શાળામાં પાંચ હળવદની શાળા અને માળીયાની એક શાળા અને વાંકાનેરની એક શાળાનો સમાવેશ થાય છે.

(9:57 pm IST)