Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મંત્રીઓ પ્રજાની પીડા દૂર કરવાને બદલે પોતાની વાહવાહી માટે પ્રજાના પૈસાથી જન આશીર્વાદ લેવા નીકળ્યા એ શરમ જનક: મોરબી જિલ્લા કોંગ્રેસ

પ્રજાને ગુમરાહ કરવાનું છોડી, પ્રજાની હાલાકી અને મુશ્કેલીઓ દૂર કરો તેમજ મોંઘવારી અને બેરોજગારીથી પ્રજાને બચાવો

મોરબી : સરકારના નવા ચહેરા સાથે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રાજ્ય સરકારમાં ઘણા નવા ચહેરાએ મંત્રીપદની શોભા વધારી છે ત્યારે હાલમાં જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે વિરોધ પક્ષ પણ લાલઘૂમ છે અને પ્રજાના પૈસાનું ધોવાણ કરવા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે તેવા આક્ષેપ મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલએ કર્યા છે.

મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલએ ભાજપની જન આશીર્વાદ યાત્રા પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે હમણાં હમણાં ભાજપ પ્રજાના પૈસે જન આશીર્વાદ યાત્રા કરવા નીકળી છે, પહેલા કેન્દ્રના મંત્રી અને હવે ગુજરાતના બિન લોકશાહી ઢંગે ચુંટાઈ પક્ષ પલટો કરનાર મંત્રીઓ પ્રજાની પીડા દૂર કરવાને બદલે પોતાની વાહવાહી માટે પ્રજાના ટેક્સના પૈસાથી જન આશીર્વાદ લેવા નીકળ્યા છે એ શરમ જનક છે

મોરબી જીલ્લામાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસી ગયેલ છે, દીન દહાડે ખૂન, મારામારી અને લુંટ જેવા રોજબરોજ બનાવો બને છે ત્યારે લોકો ભયભીત છે. મોરબી શહેર, તાલુકા અને જીલ્લામાં અનેક રોડ બિસ્માર હાલતમાં છે, તો એ બદલ લોકો શું તમને આશીર્વાદ આપે કે શ્રાપ આપે ? કરોડો, અબજોના ટેક્સ ભરવા છતાં મોરબીમાં લોકોને સવલતોનું નામ નિશાન નહીં ! રોજ બનતી માથાનાં દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યા બદલ તમોને આશીર્વાદ આપે ? કોરોના સમયમાં લોકો સારવાર માટે આમતેમ દોડતા હતા, હોસ્પિટલ, બેડ, ઇન્જેક્શન મળતા નહોતા ત્યારે તમે ક્યાં ગયા હતા ? એક પ્રજાના પ્રતિનિધિ તરીકે તમો તમારા મત વિસ્તારમાં કોરોનાના કપરા સમયમાં ગુમ હતા તે બદલ લોકો તમોને આશીર્વાદ આપે ? પ્રજાને ગુમરાહ કરવાનું છોડી, પ્રજાની હાલાકી અને મુશ્કેલીઓ દૂર કરો તેમજ મોંઘવારી અને બેરોજગારીથી પ્રજાને બચાવવા ભાજપ સરકાર સામે હાકલ કરી છે.

(11:12 pm IST)