Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મોરબીમાં રવાપર રોડ પર ધોળે દિવસે લૂંટને અંજામ આપી ફરાર થયેલા બે શખ્સો દિલ્હીથી ઝડપાયા

દિલ્હી પોલીસે ગેરકાયદેસર હથીયારનો ગુન્હો નોંધ્યો બંને આરોપીનો કબજો મેળવવા પોલીસની કવાયત.

મોરબીના રવાપર રોડ પર ધોળે દિવસે લૂંટને અંજામ આપી બે ઈસમો ફરાર થયા હોય જે આરોપીઓને ઝડપી લેવા માટે ગુન્હામાં વપરાયેલ વાહન અને ટેકનીકલ ટીમની મદદથી આરોપીઓ દિલ્હી અને હરિદ્વાર તરફ હોવાની માહિતીને પગલે ટીમે તપાસ દિલ્હી સુધી લંબાવી હતી અને બંને ઇસમોનું પગેરું મેળવી લેવામાં મોરબી એલસીબી ટીમને સફળતા પ્રાપ્ત થઇ છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પંચાસર રોડ પર રહેતા વસંતભાઈ બાવરવાને રવાપર ચોકડી નજીક આંતરી લઈને બે બાઈકસવાર ઇસમોએ મરચાની ભૂકી છાંટી પૈસા ભરેલ થેલામાંથી રોકડ લૂંટનો પ્રયાસ કર્યો હતો અને ભોગ બનનારે પ્રતિકાર કરતા રિવોલ્વર જેવા હથિયાર કાઢી અમુક રકમની લૂંટ ચલાવી આરોપીઓ નાસી ગયા હતા જે બનાવને પગલે પોલીસે ગુન્હો નોંધી વિવિધ દિશામાં ટીમો બનાવી તપાસ ચલાવી હતી રાજકોટ રેંજ આઈજી સંદીપસિંહની સુચના હેઠળ મોરબી એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળની એલસીબી ટીમે તપાસ ચલાવી હતી જેમાં ગુન્હામાં વપરાયેલ બાઈક સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના લુણા ગામના વિરમભાઇ રતાભાઈ કોળીનું હોવાનું ખુલતા તપાસ ચલાવી હતી જેમાં બંન ઈસમો વિરામ કોળીના દાદા ગોરધનભાઈ અને તેના ભાઈ ગોકળભાઈના અસ્થી વિસર્જન માટે કાકા કાનજીભાઈ અને હરજીભાઈ સાથે બસમાં બેસી હરિદ્વાર ગયા હોવાનું ખુલ્યું હતું
તેમજ ટેકનીકલ ટીમે તપાસ ચલાવી હતી જેમાં આરોપીઓનું પગેરું દિલ્હી અને હરિદ્વાર હોવાનું ખુલતા મોરબી એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, એ ડી જાડેજાના માર્ગદર્શન હેઠળની ટીમો દિલ્હી અને હરિદ્વાર રવાના કરવામાં આવી હતી જેમાં આરોપી જયદીપ ઉર્ફે લાલો ઉર્ફે શક્તિ નાનજીભાઈ પટેલ રહે બંગાવડી તા. ટંકારા અને સંદીપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસિંગ રાજપૂત રહે હાલ સુરત મૂળ યુપી વાળો દિલ્હી ખાતેથી મળી આવતા બંને આરોપીની ઝડતી તપાસ કરવામાં આવી હતી જેમાં લૂંટના ગુન્હામાં ઉપયોગ કરેલ હથિયાર અને રોકડ રૂપિયા મળી આવ્યા હોય જેથી દિલ્હી પોલીસ દ્વારા બંને ઈસમો વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર અંગેનો ગુન્હો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓનો કબજો મેળવવા કાર્યવાહી ચાલતી હોવાનું પોલીસે જણાવ્યું હતું
આરોપી સેન્ડી અગાઉ સુરત અને લીંબડીમાં પોલીસ ચોપડે ચડેલો
ઝડપાયેલ બે આરોપીઓ પૈકી સંદીપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસિંગ રાજપૂત નામનો શખ્શ અગાઉ સુરત અને લીંબડી ખાતે લૂંટ, મારામારીના ગુન્હામાં પકડાયો હોવાનું ખુલ્યું છે તો ગુન્હામાં વપરાયેલ બાઈક વિરમભાઇ રતાભાઈ કોળીનું હોવાનું ખુલ્યું હતું અને બાઈક પણ રીકવર કરવામાં પોલીસને સફળતા મળી છે.

(9:50 pm IST)