Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ધોરાજી કોર્ટે દ્વારા સગીરા ઉપરના દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સજા અને દંડ ફટકારતી કોર્ટ

સગીરાની સંમતિ હોય તો પણ ગુનો બને છેઃ ભોગ બનનાર પીડીતાને વળતર આપતા હુકમ

  (કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી ધોરાજી કોર્ટે સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સજા અને રૂપિયા ૧૬ હજારનો દંડ ધોરાજી કોર્ટ ફટકાર્યો હતો. ધોરાજી પબ્લિક પ્રોસિક્યુટર શ્રી કાર્તિકેય પારેખ એ માહિતી આપતા જણાવેલ કે ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ શ્રી રાહુલકુમાર શર્માએ  એક ચુકાદામાં આરોપી જગદીશભાઈ અમરસિંહભાઈને ૨૦ વર્ષની સજા અને રૂપિયા ૧૬,૦૦૦ દંડ ફટકાર્યો છે તથા ભોગ બનનારને વળતર પણ ચૂકવવાનો આદેશ ફરમાવેલ છે.

સરકાર પક્ષે પબ્લિક પ્રોસિક્યુટર શ્રી કાર્તિકેય પારેખ તરફથી રજૂઆત કરવામાં આવેલી છે ૧૫ વર્ષની સગીરા ભોગ બનનાર છે અને પ્રેમ સંબંધની લાલચ આપી અને તેમનો દુરુપયોગ કરવામાં આવેલો છે. જ્યારે આરોપી પક્ષે રજૂઆત કરવામાં આવેલ કે ભોગ બનનાર પોતાની મરજીથી ગયેલા હતા અને શરીર સંબંધ બાંધેલો છે તેને મેડિકલ એટલે કે ડોકટર પુરાવાથી સમર્થન મળતું નથી.

ત્યારબાદ સરકારી વકીલ તરફથી કરેલી દલીલો ને ધ્યાનમાં રાખી અને ધોરાજીના  એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજે કહેલ હતુ કે ભારતીય દંડ સંહિતા કલમ ૩૬૩ ૩૬૬ સહીતની કલમમાં ભોગ બનનાર સગીરાની સહમતી ની કોઈ કિંમત હોતી નથી તેવા કિસ્સામાં વ્યકિત પક્ષકાર તેના માતા પિતા ગણાય અને આ તમામ સંજોગોને ધ્યાને લેવામાં આવે તો ભોગ બનનાર આરોપી સાથે ગયાની હકીકત ફરિયાદ પક્ષે નિશંકપણે પુરવાર કરે છે ભોગ બનનારની ઉંમર ૧૮ વર્ષથી નાની છે તે પણ પુરવાર થયેલું છે આવા સંજોગોમાં સાબિતીનો સમગ્ર બોજો આરોપી પક્ષ પર રહે છે અને આરોપી પક્ષ પોતાને નિર્દોષ પુરવાર કરવામાં સફળ રહેલ નથી. તે તમામ સંજોગોને ધ્યાને લઇ અને આરોપીને અલગ-અલગ કલમોમાં ૨૦ વર્ષની સજા અને રૂપિયા ૧૬,૦૦૦ દંડ ફરમાવેલ છે.

માત્ર નવ મહિના જેવા ટૂંકા ગાળામાં આખો કેસ ચાલી ગયો આ ગુન્હાની તપાસ ધોરાજીના તત્કાલીન પોલીસ ઇન્સ્પેકટર શ્રી હકુમતસિંહ  જાડેજાએ કરેલી હતી અને તેમના દ્વારા ચાર્જશીટ કરવામાં આવેલ હતું. 

(1:11 pm IST)