Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મુળીના ધર્મેન્દ્રગઢની મહિલાનું દિકરીને જન્મ આપ્યાના થોડા કલાકો બાદ મોત

નવજાત પુત્રી અને એક પુત્ર મા વિહોણા થયાઃ કૈલાસબેનની ખાનગી હોસ્પિટલમાં સિઝેરીયનથી ડિલીવરી કરાવાઇ હતીઃ બેદરકારીનો આક્ષેપઃ રાજકોટમાં પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૨: મુળીના ધર્મેન્દ્રગઢમાં રહેતી કૈલાસબેન દિલીપભાઇ ઝરવરીયા (કોળી) (ઉ.વ.૩૫)એ ગઇકાલે સુરેન્દ્રનગરની રાજ મેટરનીટી હોસ્પિટલમાં દિકરીને જન્મ આપ્યા બાદ તબિયત બગડતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ રાતે દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને અનોપસિંહ ઝાલાએ સુરેન્દ્રનગર એ-ડિવીઝનમાં જાણ કરી હતી.  મૃત્યુ પામનાર કૈલાસબેનના લગ્ન ચોૈદ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં અગિયાર વર્ષનો એક પુત્ર છે. ગઇકાલે તેણીને ડિલીવરી માટે સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીએ સિઝેરીયનથી બાળકીને સવારે જન્મ આપ્યો હતો. એ પછી તેણીની તબિયત બગડતાં રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. પતિ દિલીપભાઇ મજુરી કામ કરે છે. ડિલીવરીમાં બેદરકારી દાખવાતા મોત નિપજ્યાનો આક્ષેપ કરવામાં આવતાં મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.

(1:11 pm IST)