Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

લ્યો બોલો... જસદણ પાલિકાએ ભાદર નદીમાં તણાઇને આવેલી ગાંડીવેલને જેસીબીથી કાઢવા માટે પુલની રેલીંગ તોડી નાખી

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ : તા. ૨ : જસદણમાં બે દિવસ પહેલા પડેલા અનરાધાર વરસાદના પગલે શહેરની મધ્યમાંથી પસાર થતી ભાદર નદીમાં ઘોડાપુર આવતા નદીમાં છેલ્લા ઘણા સમયથી સામ્રાજય જમાવી બેઠેલ ગાંડીવેલનો સફાયો થયો હતો.

આ કામ ખરેખર અગાઉ જસદણ નગરપાલિકા તંત્રએ અનરાધાર પડેલા વરસાદ પૂર્વે કરવાનું થતું હતું. પરંતુ કુદરતે કરામત કરી ત્યાં સુધીમાં ભાદર નદીમાં ખડકાયેલ ગાંડીવેલને જસદણ નગરપાલિકાએ નહી હટાવતા કુદરતે હટાવી આપી હતી. જોકે બાદમાં જસદણ નગરપાલિકાના જવાબદારોને ડહાપણ સુઝતા ભાદર નદીમાં તણાઈને આવેલી ગાંડીવેલને જેસીબીની મદદથી દુર કરવાનો પ્રયાસ કરાયો હતો. જોકે આ કામગીરી દરમિયાન ભાદર નદીમાં તણાઈને આવેલી ગાંડીવેલને જેસીબીની મદદથી દુર કરવા માટે ભાદર નદી પરના પુલની રેલીંગને જ તોડી નાખવામાં આવતા જાગૃત નગરજનોમાં મોઢા તેટલી વાતો થવા લાગી છે.

હાલ ભાદર નદી પરના પુલની રેલીંગ તૂટેલી હાલતમાં હોવાથી રાહદારીઓ તેમજ વાહનચાલકોમાં અકસ્માતનો ભય વધ્યો છે. જેથી ભાદર નદીમાં તણાઈને આવેલી ગાંડીવેલને હટાવવા માટે આ પુલની રેલીંગ તોડવાનું ડહાપણ કરનારા જસદણ નગરપાલિકાના જવાબદારો દ્વારા તાત્કાલિક રેલીંગનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવું જસદણના જાગૃત નગરજનો ઈચ્છી રહ્યા છે.

(1:05 pm IST)