Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

જસદણ પાલિકામાં વર્ષોથી કરાર આધારિત સફાઇ કામકરનાર ૨૫ મહિલાઓને કાયમી ન કરાતા હોબાળો

જ્યાં સુધી કાયમી નહિ કરાય ત્યાં સુધી સફાઇ કામગીરીથી અળગા રહેવાની મહિલા સફાઇ કામદારોએ ચીમકી ઉચ્ચારી : આજથી ઉપવાસ

(નરેશ ચોહલીયા) જસદણ તા. ૨ : જસદણ નગરપાલિકા ખાતે થોડા સમય પહેલા ૪૮ સફાઈ કામદારોની કાયમી ભરતી કરવા માટેની મૌખિક ઈન્ટરવ્યુંની કામગીરી કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયા રાજકોટના અધિક કલેકટર અને જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતનાઓની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં જસદણ, અમદાવાદ, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા, પોરબંદર, જુનાગઢ અને રાજકોટ જિલ્લાના વિવિધ સમાજના કુલ ૪૨૮ અરજદારોએ સફાઈ કામદાર તરીકે જોડાવા માટેની અરજીઓ કરી હતી. જે પૈકી પ્રથમ દિવસે ૨૧૪ અરજદારોને જસદણ નગરપાલિકા કચેરી ખાતે મૌખિક ઈન્ટરવ્યું માટે બોલાવવામાં આવ્યા હતા અને બીજા દિવસે ૨૧૪ અરજદારોને બોલાવાયા હતા. જોકે આ ભરતી પ્રક્રિયામાં જસદણ નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી સફાઈ કામદાર તરીકે કરાર આધારિત કામ કરતી ૨૫ જેટલી મહિલાઓને કાયમી ન કરાતા તમામ મહિલાઓ રોષે ભરાઈ હતી અને નગરપાલિકા કચેરી ખાતે વિવિધ સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવતા તંત્ર ભારે મુંજવણમાં મુકાઈ ગયું હતું. જોકે આ ૨૫ સફાઈ કામદાર મહિલાઓ પૈકી મોટાભાગની મહિલાઓ છેલ્લા ૪૦ વર્ષથી કરાર આધારિત સફાઈ કામદાર તરીકે જસદણ નગરપાલિકામાં કામગીરી કરી રહી છે. છતાં જસદણ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ અન્ય શહેરોના અરજદારો સાથે સાંઠગાંઠ કરી કાયમી કરવાનો હુકમ કર્યો હોવાના મહિલાઓએ આક્ષેપો કરતા અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. જોકે આ તકે રોષે ભરાયેલ તમામ સફાઈ કામદાર મહિલાઓએ જયાં સુધી અમને કાયમી નહિ કરાય ત્યાં સુધી સફાઈ કામગીરીથી અળગા રહેવાની અને ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે.

બહારના લોકોને પૈસા લઈને કાયમીના ઓર્ડર આપવામાં આવ્યા છે તેમ કહી  નર્મદાબેન બારૈયાએ કહ્યું કે, હું નગરપાલિકામાં ૪૦ વર્ષથી કરાર આધારિત સફાઈ કામદાર તરીકે નોકરી કરું છું. અમારો વિરોધ એ છે કે જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે તેમાં મોટાભાગના બહારના લોકોને કાયમી તરીકે લેવામાં આવ્યા છે અને અમારા માત્ર પાંચ લોકોને જ શા માટે લેવામાં આવ્યા છે. ભલે મારી ઉંમર થઈ ગઈ છે તો મારી બદલીમાં મારા છોકરાને લેવો જોઈને ને. અમારી માંગણી છે કે ઘર દીઠ એક વ્યકિતને સફાઈ કામદાર તરીકે કાયમી લેવામાં આવે. બહારના લોકોને પૈસા લઈને કાયમીના ઓર્ડર આપવામાં આવ્યા છે જે પાછા લઈ લેવામાં આવે તેવી અમારી માંગણી છે. અગાઉ જયારે હડતાલ પર રહેવાનું થતું હતું ત્યારે અમારા સમાજના પ્રમુખ અમારું ઘર ખોદી નાંખતા હતા. જો અમને ન્યાય નહી મળે તો અમે હડતાલ પર ઉતરશું અને આંદોલનો કરીશું.

બહારના જે લોકો પાલિકામાં નોકરી કરતા ન હતા તેને કાયમી તરીકે લઈ લેવામાં આવ્યા છે તેમ કહી ભારીબેન બારૈયા કહે છે કે, હું છેલ્લા ૧૦ વર્ષથી પાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરું છું. પણ જયારે કાયમી કરવાની વાત આવી ત્યારે મારું નામ કાયમી કરવામાં આવ્યું નથી. બહારના જે લોકો પાલિકામાં નોકરી કરતા ન હતા તેને કાયમી તરીકે લઈ લેવામાં આવ્યા છે. અમે કોરોના મહામારીમાં સફાઈ કામગીરી કરી પાલિકાને સાથ આપ્યો છે. પણ અમને આ લોકો કાયમી નથી કરતા. આ અંગે અમે પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી. અમારી માંગણી છે કે ઘર દીઠ એક-એક વ્યકિતને કાયમી નોકરી આપે અને અમારે ઘર દીઠ બે-બે વ્યકિતને નોકરી નથી જોઈતી.

આજથી અમે બધા સફાઈ કામગીરી બંધ કરીએ છીએ તેમ કહી હીનાબેન નાગજીભાઈ બારૈયાએ જણાવ્યું કે, અમે ૪૦ વર્ષથી પાલિકામાં નોકરી કરીએ છીએ છતાં અમને કાયમી કરવાના ઓર્ડર નથી આપ્યા. પણ જેમણે જસદણની નગરપાલિકા પણ જોઈ નથી તેઓને કાયમીના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે આ કેવો ન્યાય કહેવાય. અમારી માંગણી કે અમારી હાજરીઓ જોઈને ભરતી કરવામાં આવે અને અમને કાયમીના ઓર્ડર આપવામાં આવે. અત્યારે અમારા સમાજના પ્રમુખ પણ અમારાથી આઘા ભાગે છે. આજથી અમે બધા સફાઈ કામગીરી બંધ કરીએ છીએ.

અમારા સમાજની સમિતિ જે નિર્ણય કરશે તે મુજબ અમે કામદારોના હિતમાં લડત લડીશું અને કામદારોને ન્યાય અપાવીશું તેમ જીતુભાઈ બારૈયા-પ્રમુખ,ગુજરાત વાલ્મીકી સેના,જસદણ એ જણાવ્યું છે કે, જસદણ નગરપાલિકામાં હાલ જે ભરતી થઈ છે તે રોસ્ટર મુજબ થઈ છે તેમાં રોસ્ટર મુજબ જે જગ્યા હતી તે ભરવામાં આવી છે. પરંતુ જે વર્ષોથી પાલિકામાં કામ કરતા હતા તેવા ૨૫ જેટલા કામદારો રહી ગયા છે તેઓનો અત્યારે ખુબ વિરોધ ચાલી રહ્યો છે. હાલ અન્ય સમાજના જે લોકોને સફાઈ કામદાર તરીકે રાખવામાં આવ્યા છે તેમની પાસે સફાઈ કામગીરી કરાવવામાં આવે તેવી અમારી માંગણી છે. જો આ મહિલાઓ આંદોલનો કરશે તો અમે તેમને પુરતો સાથ સહકાર આપીશું અને અમે કમિશનરને પણ રજૂઆત કરીશું કે વર્ષોથી સફાઈ કામદાર તરીકે કામ કરનાર લોકોને ન્યાય મળે.

જ્યારે આ ભરતી રોસ્ટર મુજબ કરવામાં આવી છે તેમ જણાવી પાર્થ ત્રિવેદી-ચીફ ઓફિસરએ કહ્યું છે કે, જસદણમાં ટોટલ ૧૦૨ જગ્યા મંજુર થઈ છે જેમાંથી ૫૦ ટકાની ભરતી કરવાની હતી. જેમાં ૨૦ જગ્યા જનરલ માટેની હતી, ૩ જગ્યા એસ.સી. માટે હતી, ૭ એસ.ટી. માટેની હતી અને ૧૩ ઓ.બી.સી. માટેની હતી. આ લોકોની માંગણી એવી છે કે દરેક સેટઅપ પર અમારા જ્ઞાતિના જ ભરો એટલે એતો બંધારણની વિરુધ્ધ છે એ અમે ન કરી શકીએ. આ ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવી હતી અને એમાં જે લોકો કવોલિફાય થતા હતા તે ઉમેદવારોને જ અમે ઈન્ટરવ્યું માટે બોલાવ્યા હતા અને મેરીટ મુજબ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રાદેશિક કમિશનરની બહાલી માટે મોકલેલ અને ત્યાંથી નિયમ મુજબ બહાલી મળ્યા બાદ પારદર્શક રીતે આ ભરતી કરવામાં આવી છે. હજી ૫૦ ટકાની ભરતી આવવાની બાકી છે. તેમાં અમે પ્રયત્ન કરીશું કે આમાં જે પરિવારો બાકી રહી ગયા છે તેમને આવતી ભરતીમાં લઈ લઈએ.

(1:03 pm IST)