Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મોરબી તાલુકા પંચાયત પેટાચૂંટણીના મતદાન ગણતરી સ્થળ પર નિયંત્રણો

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨ : મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત પેટા ચૂંટણી-૨૦૨૧ની મતગણતરી તા.૦૫/૧૦/૨૦૨૧ ના રોજ થનાર છે. મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ તાલુકા પંચાયતની ધી.વી.સી. ટેકનીકલ હાઈસ્કુલ, મોરબી, અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢની મીટીંગ હોલ, મામલતદાર કચેરી, હળવદ ખાતે થનાર છે.

આ મતગણતરીના દિવસે મતગણતરી કેન્દ્ર આસપાસ નિવારક પગલાં લેવા માટે મોરબીના જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જે.બી. પટેલે જાહેરનામુ બહાર પાડી હુકમો જારી કર્યા છે.

 આ જાહેરનામા અનુસાર કોઈપણ વ્યકિત સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહી તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે, મતગણતરી કેન્દ્રની આસપાસના ૨૦૦ મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યકિતઓ એકત્રીત થઈ શકશે નહી અથવા કોઈ સભા ભરી શકશે નહી કે કોઈ સરઘસ કાઢી શકશે નહી, કોઈપણ વ્યકિત કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યકિત મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રીમાઈસીસમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી.

ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે તે મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહી, મતગણતરી સ્થળમાં પ્રવેશ માટેના પાસ ઈસ્યુ કરવા માટે સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીએ નકકી કરેલ પાર્કીગ સ્થળે જ વાહન પાર્કીગ કરવાનું રહેશે.

મતગણતરી તેમજ મતગણતરીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારીઓ / કર્મચારીઓ તથા ફરજ પરના પોલીસ / એસઆરપી / હોમગાર્ડના અધિકારી તથા જવાનો આ જાહેરનામામાંથી મુકિત આપવામાં આવે છે.કોઇપણ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા કોઇ વ્યકિત દ્વારા આ જાહેરનામાનો ભંગ કરાશે તો ભારતીય ફોજદારીની કલમ-૧૮૮ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.  

(1:07 pm IST)