Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

પોરબંદરમાં નગરપાલિકાના નવનિર્મિત શોપીંગ સેન્ટરનું લોકાપર્ણ થાય તે પહેલા ખંડેર હાલત

શોપીંગ સેન્ટરમાં અસામાજિક તત્વોનો અડિંગો : કોંગ્રેસ દ્વારા રજુઆત

પોરબંદર,તા. ૨: પેરેડાઇઝ સીનેમા સામે નગરપાલીકાએ બનાવેલ શોપીંગ સેન્ટર ખંડેર હાલતમાં ફેરવાઇ ગયું છે. શોપીંગ સેન્ટર બનાવાયું તેને દસ વર્ષ જેટલો સમય વિતી ગયો છે. છતાં હજુ પણ પાલીકા દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યુ નથી. તેવી રજુઆત પોરબંદર કોંગ્રેસના યુવા આગેવાન મેરૂભાઇ સિંધલ દ્વારા કરવામાં આવી છે.

પેરેડાઇઝ સીનેમા પાસે આવેલુ નગરપાલીકાનું સેન્ટર અત્યંત જર્જરિત અવસ્થામાં છે. શોપીંગ સેન્ટરના દુકાનમાં શટર તુટી ફુટી ગયા છે. શોપીંગ સેનટરની દીવાલ નબળી પડી ગઇ છે. દુકાનની છત જર્જરિત અવસ્થામાં છે. બિલ્ડીંગ ગમે ત્યારે ધરાશાઇ થઇ જાય તેવી હાલતમાં છે. શોપીંગ સેન્ટરનું તાત્કાલીક સમારકામ કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસના આગેવાન મેરૂભાઇ દ્વારા તંત્રને કરવામાં આવી છે.

શોપીંગ સેન્ટરનો હેતુ તેની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને સરળતાથી વસ્તુઓ મળી રહે તે માટે શાકમાર્કેટ કમ શોપીંગ સેન્ટર બનાવવાનો હતો. તેની આજુબાજુનો વિસ્તાર જેમ કે પેરેડાઇઝ, જુરીબાગ, કુમકુમ કોલોની, કલેકટરના બંગલા પાસેના વિસ્તારના લોકોને ખરીદી કરવા માટે દૂર જવુ ન પડે અને નજીકમાં જ તેને બધી જ વસ્તુઓ મળી રહે તે માટેનો હતો. પરંતુ આ બીલ્ડીંગને જોતા એવું લાગી રહ્યુ છે કે નગરપાલીકાનો શોપીંગ સેન્ટર બનાવવાનો હેતુ નિષ્ફળ ગયો છે. શોપીંગ સેન્ટરમાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. ગાય નંદીનું સામ્રાજ્ય ત્યાં જોવા મળે છે. આજુબાજુના લોકો ત્યાં છાણા થાપે છે. તેમ રજુઆતમાં જણાવેલ છે.

નગરપાલીકાએ બનાવેલ શોપીંગ સેન્ટરમાં જુગારીઓએ શોપીંગ સેન્ટરને જુગારનો અડ્ડો બનાવી દીધો છે. ત્યાં જુગારધામ ધમધમે છે. દારૂની મહેફીલ પણ ત્યાં જામે છે. આવા તત્વો દ્વારા ઘણી વાર શોપીંગ સેન્ટરને આગ પણ લગાડવામાં આવે છે. આવારા તત્વોની અસામાજીક પ્રવૃતિઓથી શોપીંગ સેન્ટરની પાસે રહેતા લોકકો પણ ત્રાહીમામ થઇ ચુકયા છે. અને તે અંગે અગાઉ ફરિયાદ પણ થઇ હતી. દારૂની ખાલી બોટલોના કાચ ચારે તરફ ઉડતા જોવા મળી રહ્યા છે.

(1:00 pm IST)