Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મોરબીના બોરીયા પાટી વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માંગ

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨, મોરબીના બોરીયા પાટી વિસ્તારના રહીશોએ બોરીયા પાટીના રહેણાંક વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ તેમજ રસ્તા પર પાણી ભરાવા અંગે મોરબી નગરપાલિકાના ચીફ ઓફીસરને લેખિત રજૂઆત કરી છે.

આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે મોરબીમાં રવાપર રોડથી લીલાપર જવાના રસ્તે કેનાલથી અંદર આશરે એકાદ કિલોમીટર અંદર રહેણાંક વિસ્તાર આવેલો છે. જેમાં આશરે ૨૫૦ માણસોનો રહેણાંક વિસ્તાર બોરિયા પાટી વિસ્તાર

આવેલો છે. કેનાલ રોડથી આ રહેણાંક વિસ્તારમાં જવા માટે ગોઢણથી ઉપર સુધીના પાણી એટલે કે આશરે ૨ થી ૨.૫૦ ફૂટ જેટલું પાણી ભરાઇ જાય છે. જેનો નિકાલ નગરપાલિકા કચેરી દ્વારા અનેક વખત કરવામાં આવેલ છતાં આજદિન સુધી પાણીનો કોઇ પણ પ્રકારનો નિકાલ થઈ શકેલ નથી કે નગરપાલિકા કચેરી દ્વારા કે આ વિસ્તારના કાઉન્સીલર દ્વારા પણ કોઇ તાકીદે પગલાં લેવામાં આવતા નથી.

 આ વિસ્તારમાં આશરે ૩૦ જેટલા અબોલ જીવ જેવા કે ગાય, ભેંસ વિગેરે પાલતુ પ્રાણીઓ પણ પાળતા હોય, જેમના માટે નીણ લાવવું તેમજ અબોલ પ્રાણીઓને પણ ઘાસ ચરાવવા લઇ જવામાં ખૂબ અગવડતા પડે છે. જે અંગે સ્થાનિક રહીશો દ્વારા અવાર-નવાર રજુઆત કરવામાં આવેલ તેમ છતાં આજદિન સુધી વરસાદી પાણીના નિકાલ માટે કોઇ પગલા લેવામાં આવેલ નથી. જેના લીધે સ્થાનિક રહીશોના આરોગ્ય ઉપર ગંભીર અસર પડે તેમ છે, તો સત્વરે તાત્કાલિક યોગ્ય પગલાં વરસાદી પાણીના નિકાલ અંગે યોગ્ય કરવા અરજ છે. દિન-૨ માં જો કોઈ પગલાં લેવામાં ન આવે તો મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવશે, તેમ જણાવાયું છે. 

(1:00 pm IST)