Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

વીરપુરમાં પાછોતરા ભારે વરસાદને લઇને કપાસ, સોયાબીન સહિતના પાકો સડી જતા સહાયની માંગ

તસ્વીરઃ કિશન મોરબીયા -વીરપુર

વીરપુર,તા. ૨: સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાદરવા માસમાં પાછોતરા ભારે વરસાદને લઈને સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ખેતીમાં પાકોને ભારે નુકશાન તેમજ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે જેમને લઈને ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે ત્યારે યાત્રાધામ વીરપુર પંથકમાં તો ખેડૂતોને ડબલ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે એક તો જયારે વાવણી બાદ વરસાદની ખાસ જરૂરિયાત હતી ત્યારે વાવેલા પાક ઉપર ૬૫/૬૫ દીવસ સુધી વરસાદનો એક છાંટો પડ્યો ન હતો જેમને કારણે પહેલેથી જ પાક મુર્જાઈ ગયો હતો.

જયારે બીજી બાજુ ભાદરવા માસમાં ભારે વરસાદને લઈને લીલા દુષ્કાળ જેવી અતિવૃષ્ટિએ ખેડૂતોએ વાવેલા કપાસ, મગફળી,સોયાબીન સહિતના પાકો સડી જવા પામ્યા છે,પાછોતરા ભારે વરસાદને લઈને વીરપુર પંથકના ખેતરોમાં વરસાદી પાણી વહી રહ્યા છે જેમને લઈને કપાસ,સોયાબીન સહિતના પાકમાં ભારે નુકસાન થયું છે પાકોમાં આવેલા ફાલમાં કપાસના પાકના જીંડવા સંપૂર્ણ પણે સડી જતા ખેડૂતોએ તંત્ર પાસે સત્વરે પાકોનો સર્વે કરીને ખેડૂતોને સહાય લક્ષી યોજનાઓ હેઠળ સહાયની માંગ કરી છે,ખેડૂતોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ભારે વરસાદને લઈને ચોમાસું પાક તો સદંતર નિષ્ફળ ગયો છે.

પરંતુ જો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને નિષ્ફળ પાકોનું વળતર ચુકવવામાં આવે તો ખેડૂતો શિયાળુ પાક લઈ શકે માટે આ અતિવૃષ્ટિ જેવી કપરી સ્થિતિમાં તંત્ર પાસે ખેડૂતો સહાયની આશા વ્યકત કરી રહ્યા છે.

(12:57 pm IST)