Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર ઓકટોબર માસને જામનગરમાં સ્વચ્છ ભારત અભિયાન તરીકે ઉજવાશે

જામનગર તા.૧, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઓકટોબર માસને કેન્દ્ર તથા રાજ્ય સરકારના સંયુકત ઉપક્રમે સ્વચ્છ ભારત અભિયાન તરીકે ઉજવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.જે અંતર્ગત આજે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે સમગ્ર કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે નિવાસી  અધિક કલેકટરશ્રી એમ.પી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું.

 કાર્યક્રમ અંતર્ગત તારીખવાર વિવિધ વિભાગો દ્વારા વિવિધ આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા. જેમાં પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ, સફાઈ, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ધાર્મિક સ્થળોની સફાઈ, કચેરીઓ. શાળાઓ તથા આંગણવાડીની સફાઈ તેમજ બ્યુટીફીકેશન, સ્વચ્છતા અંગે નાટક તથા શેરી નાટક, વન વિસ્તારોની સાફ-સફાઈ તથા વૃક્ષારોપણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્કૂલ કોલેજ તથા યુનિવર્સીટીમાં પ્લાસ્ટિક ફ્રી કેમ્પેઈનનું આયોજન, માસના અંતે એકઠા થયેલ કચરાનો નિકાલ, -તિમાઓ, નદી, તળાવો, કૂવાઓ, તથા વોકળાઓની સાફ-સફાઈ, જનજાગૃતિ માટે કિવઝ કોમ્પીટીશન, પપેટ શો, સામુહિક આરોગ્ય તપાસણી સહિતના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

 બેઠકમાં શહેરી કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ તથા નગરપાલિકા કક્ષાએ સમગ્ર માસ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોનાં આયોજન સંલગ્ન અધિકારીશ્રીઓ દ્વારા અધિક કલેકટરશ્રી પંડ્યા સમક્ષ રજૂ કરાયા હતા તેમજ તે અંગે વિગતવાર ચર્ચાઓ કરાઇ હતી.સમગ્ર કાર્યક્રમમાં લોકો અસરકારક રીતે જોડાય અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય તેવું અસરકારક આયોજન હાથ ધરવા જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારઘીએ તમામ અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું.

 બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટર રાયજાદા, નાયબ મ્યુનિસિપલ કમિશનર વસ્તાણી, યુવા વિકાસ અધિકારીશ્રી રસ્તોગી, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી,વન વિભાગ, પોલીસ વિભાગ, રમત ગમત વિભાગ તથા તમામ ચીફ ઓફિસરશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જી.પી.સી.બી. તોલમાપ વિભાગ સહિતના વિભાગોના  અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

(12:57 pm IST)