Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

જસદણની બે ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો ન હોવાથી પાલિકાની ટીમે બન્ને હોસ્પિટલને સીલ કરી, જ્યારે ખાનગી શાળાઓએ સોગંદનામાં રજૂ કર્યા

(નરેશ ચોહલીયા) જસદણ,તા. ૨: ફાયર સેફટીના ધારાધોરણો પૂરા કરીને એન.ઓ.સી. લઈ લેવા જસદણની ૫ ખાનગી હોસ્પિટલો અને ૧૨ ખાનગી શાળાઓને જસદણ નગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવ્યા હતા. છતાં અનેક સંચાલકો લાપરવાહી દાખવતા હોવાથી જસદણ નગરપાલિકાના ફાયર ઓફિસર પ્રતાપભાઈ સોલંકી, ગોંડલના સ્ટેશન ઓફિસર સંજયભાઈ વાસાણી અને પાણી પુરવઠાના સુપરવાઈઝર ડી.આર.ગીડા સહિતની ટીમે જસદણની માંડવરાય હોસ્પિટલ અને પલ મેટરનીટી હોસ્પિટલને ગુરૂવારે સાંજના ૭ વાગ્યા આસપાસ અન્ય લોકોને ખ્યાલ ન આવે તે રીતે અંધારામાં સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ સીલ કરવાની કામગીરી દરમિયાન હોસ્પિટલના જે વોર્ડમાં દર્દીઓ દાખલ હતા તેને સીલ ન કરી અન્ય વોર્ડમાં સીલ મારી દેતા હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જયારે જસદણની ખાનગી શાળાઓના સંચાલકોએ સોગંદનામાં રજુ કરી દેતા તેઓના બિલ્ડીંગ સીલ કરવામાં આવ્યા ન હતા. ઉલ્લેખનીય છે કે, જસદણ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ આ સીલ કરવાની કાર્યવાહી ધોળા દિવસે પણ શકે તેમ હતી. છતાં સાંજના સમયે અંધારામાં સીલ કરવાની કામગીરી હાથ ધરતા જાગૃત લોકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.

આ અંગે નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે, આવી હોસ્પિટલોમાં જે દર્દીઓ દાખલ છે તેના ડિસ્ચાર્જ થવા સુધી રાહ જોવાશે અને તે પછી તરત સીલ કરી દેવાશે. પણ હાલ નવા કોઈ દર્દીને તો દાખલ ન જ કરવા તેવી સુચના આપી દેવામાં આવી છે. જસદણની પલ મેટરનીટી હોસ્પિટલ અને માંડવરાય હોસ્પિટલ તેમજ સિક્કાની પ્રણવરાજ સ્કૂલના બિલ્ડિંગને આજે સીલ મારી દેવામાં આવ્યા હોવાનું રિજિયોનલ ફાયર ઓફિસર અનિલ મારૂએ જણાવ્યું હતું. નોંધનીય છે કે સીલ કરવા ટીમો પહોંચે ત્યારે જે હોસ્પિટલ કે શાળાના સંચાલક અગ્નિસુરક્ષા બાબતો પરિપૂર્ણ કરવાના વર્ક ઓર્ડર બતાવે અને એફિડેવિટ કરી આપે તેમના બિલ્ડિંગ સીલ કરવાનું માંડી વળાશે.

(11:54 am IST)