Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતિની ઉજવણી

પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ, દેશભકિતના ગીતોનો નાદ, પ્રભાતફેરી સહિતના કાર્યક્રમો યોજાયા

રાજકોટ તા. ર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિની ઉજવણી આજે કરવામાં આવી રહી છે.

બન્નેની પ્રતિમાઓને પુષ્પાંજલી, દેશભકિતના ગીતોના નાદ, પ્રભાતફેરી સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.

ભાવનગર (મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨ : તા.૨ ઓકટોબર, એટલે કે, મહાત્મા ગાંધી જયંતિના અવસરે 'જલ જીવન મિશન' અંતર્ગત આવતીકાલે સવારે ૧૦:૦૦ કલાકે ભાવનગર જિલ્લામાં ખાસ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગૂડે, ભાવનગર તાલુકાના કરદેજ ખાતે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા દ્યોદ્યા તાલુકાના વાળુકડ  ખાતે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ભાવનગર તાલુકાના નાગધણીબા ગામ ખાતે, તેમજ નાયબ વન સંરક્ષકશ્રી ઘોઘા તાલુકાના કૂડા/ મલેકવદર ખાતે તેમજ નિવાસી અધિક કલેકટર શ્રી બી.જે. પટેલ ભાવનગર તાલુકાના બુધેલ ખાતે હાજર રહી ગ્રામજનોને પ્રેરિત કરશે.

આ ગ્રામસભાઓમાં દરેક ગ્રામ પંચાયતમાં પાણી સમિતિની ફરજિયાત રચના કરવાની તેમજ ૫૦ ટકા મહિલા અનામતની જોગવાઈની રચના કરવી, પાણી સમિતિના કાર્યો અને ફરજો વિશે ચર્ચા કરવી, ગ્રામ કક્ષાએ વિકાસના કામો અંગેનું સ્થાનિક ભાષામાં માહિતી દર્શાવતું બેનર લગાડવું, ગ્રામ પંચાયતમાં પાણી માટે આગામી પાંચ વર્ષનો વિલેજ એકશન પ્લાન તૈયાર કરીને મંજૂર કરવો, પાણી પુરવઠાની યોજનાઓનું આયોજન અને અમલીકરણની ચર્ચા કરવામાં આવશે.

જુનાગઢ (વિનુ જોશી દ્વારા) જુનાગઢ : રજી ઓકટોબર-ર૦ર૧ થી ગાંધી જયંતિ સમગ્ર વિશ્વ ઉજવી રહ્યો છે. પૂ. મહાત્મા ગાંધીજીના ખાદીના વિચારો મુનીમંત કરવા. છેવાડાના માનવીને ખાદી કાંતવાના તથા વણવાના રોજગારલક્ષી અભિગમ અપનાવી પ્રત્યેક વ્યકિત વર્ષમાં ઓછામાં ઓછી એક જોડ ખાદી પહેરે તો ૧ કરોડ લોકોને રોજી આપી શકાય તેમ છે. તેવા વિચારો સાથે ગુજરાતમાં ખાદી સંસ્થાઓ કામ કરી રહી છે.

જુનાગઢમાં માન. શ્રી મોહનભાઇ પટેલ દ્વારા પ૦ વર્ષ પહેલા ખાદી સંસ્થાઓ સ્થાયી અને સેંકડો લોકોને ખાદી કાંતવા તથા વણવાના કામ ઉપર રોજી રોટી આપી છે અને આપી રહ્યા છે.

જુનાગઢ આઝાદ ચોક ખાતે આવેલ ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં દરેક પ્રકારની ખાદીમાં કેન્દ્ર સરકારશ્રી તથા રાજય સરકારશ્રી દ્વારા ખાસ વિશેષ વળતર રજી ઓકટોબર થી શરૂ કરવામાં આવનાર છે. જેની શરૂઆત શહેરના ખાદી પહેરનાર જેન્ટ્રીઓ તથા જુનાગઢના વહીવટી તંત્રીના અધિકારીશ્રીઓ દ્વારા તા. ર-૧૦-ર૦ર૧ ના રોજ ગાંધી જયંતિ સવારે ૧૦ વાગ્યે શરૂ કરવામાં આવનાર છે.

આ ખાદી ભવનમાં ખાદી સંસ્થાઓ દ્વારા બનાવટની ખાદીની તમામ આધુનિક ખાદીની વેરાયટીઓ તેમજ ગ્રામોદ્યોગની વેરાયટીઓનું ખરીદ વેચાણ કરવામાં આવે છે. વળતરનો લાભ લેવા શહેર તથા જિલ્લાની જનતાને ગ્રામ ભારતી ખાદી ભંડારના માનદમંત્રી ધીરૂભાઇ ગોહેલે જણાવ્યું છે.

(11:52 am IST)