Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ગાંધી મુલ્યો યુવા પેઢીને આત્મસાત કરવા પ્રેરણારૂપઃ ભુપેન્દ્રભાઇ

દુનિયામાં પ્રાર્થના મોટી શકિત છે અને ગાંધીજીએ ખૂદ પ્રાર્થનાને મહત્વ આપેલ અને દેશને આઝાદી અપાવેલ : પોરબંદરમાં કીર્તિ મંદિરે ગાંધી જયંતીએ અહિંસાના પુજારી પૂ. ગાંધીજીને મુખ્યમંત્રીએ પુષ્પાંજલી અર્પણ બાદ સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યાઃ સ્વચ્છતા ભારત મિશન હેઠળ સફાઇ અભિયાનનો પ્રારંભઃ નગરપાલિકાની કચેરી તથા ચિલ્ડ્રન હોમના નવનિર્મિત બિલ્ડીંગોના લોકાપર્ણ અર્પણઃ કીર્તિ મંદિર વેબસાઇટનું લોન્ચિગ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર :.. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પ્રથમ વખત પોરબંદર આવીને ગાંધી જયંતીએ કીર્તિ મંદિરે પૂ. ગાંધીજીને પુષ્પાંજલી અર્પીને ત્યારબાદ સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ગાંધી જયંતીએ જણાવેલ કે ગાંધીજીના સત્ય અહિંસાના મુલ્યો આજની યુવા પેઢી માટે આત્મસાત કરવાની પ્રેરણા આપે છે. વિશ્વ પ્રસિધ્ધ પૂ. ગાંધીજીના ભાવને આજે હૃદયમાં ઉતારવાનો અવસર છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવેલ કે પ્રાર્થના  દુનિયામાં મોટી શકિત છે. ગાંધીજી ખૂદ પ્રાર્થનાને મહત્વ આપતા હતાં અને ગાંધીજીએ જનશકિતને આઝાદીની લડત સાથે જોડીને અંગ્રેજોને દેશ છોડવા મજબૂર કર્યા હતાં.

ગાંધીજીના જન્મ સ્થળને દુનિયાભરના લોકો સારી રીતે જાણી શકે તે માટે આજે કીર્તિ મંદિર વેબ સાઇટનું લોન્ચિગ કરાયું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇએ જણાવેલ કે ગાંધીજીના સ્વચ્છતાના મંત્ર વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સામાજિક તંત્ર બનાવ્યો હતો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદીએ સને ર૦૧૪ માં ગુજરાતમાં સ્વચ્છતા મંત્રને મહત્વ આપેલ ત્યારે કોઇને પણ ખ્યાલ નહી હોય કે દેશભરમાં આ સ્વચ્છતા અભિયાન છવાય જશે. ગઇકાલે દિલ્હીમાં નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છતા ભારત મીશનનો પ્રારંભ કરાવ્યો હતો જે હેઠળ આજે પોરબંદરમાં સ્વચ્છતા ભારત મિશન હેઠળ સફાઇ અભિયાનને લીલીઝંડી આપી આગળ વધારેલ છે. ગુજરાત રાજયએ પણ સ્વચ્છતા તરફ કદમ માંડીને રાજયને સ્વચ્છ બનાવેલ છે.

સર્વધર્મ પ્રાર્થના સભામા સાંસદ રમેશભાઇ ધડકુ, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા,  રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા,  તાલુકા પંચાયત પ્રમુખ મંજુબેન કારાવદરા, સાંદીપનીના પૂ. રમેશભાઇ ઓઝા, પાલિકા પ્રમુખ સરજુભાઇ કારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયા, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઇ મજીઠીયા, કલેકટર, એસપી તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

નગરપાલિકા દ્વારા નવનિર્મિત કચેરીના નવા બીલ્ડીંગ તેમજ જરૂરીયાત મંદ છોકરા માટે બનાવાયેલા ચિલ્ડ્રના હોમના ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકપર્ણ કરવામાં આવ્યા છે.

કીર્તિ મંદિરે આવતા યાત્રિકો માટે ફાયબરના ગાંધીજીની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે કે જયાં તૈયાર કરેલ સેલ્ફી પોઇન્ટનું મુખ્યમંત્રીએ ગાંધી જયંતીએ લોકાર્પણ કર્યુ હતું.

(11:52 am IST)